હાર્દિક પટેલનો રૂપાણી સરકાર પર પ્રહાર: કહ્યું “બે વર્ષમાં પકડાયો 149 કરોડનો દારુ, કરોડો રૂપિયાના હપ્તા લેવાય છે”

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેઘર દારુ પીવાતો હોવાનું નિવેદન કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજસ્થાનમાં દારુબંધી કરવાનો પડકાર ફેંક્યો તો ગેહલોતે પલટવાર કરી રૂપાણીને કહ્યું કે સાબિત કરો કે ગુજરાતમાં દારુ વેચાતો અને પીવાતો નથી. આ ઘમાસાણમાં ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગેહલોતના નિવેદનને સમર્થન આપ્યું અને વિજય રૂપાણીને રાજીનામું આપી દેવાનો પડકાર ફેંક્યો છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા માધ્યમ મારફત જણાવ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ પીવાય છે અને આ સાંભળતા જ તમે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આમાં ગુજરાતીઓનું અપમાન થયું નથી. અશોક ગેહલોતે સાચું જ કહ્યું છે.

હાર્દિકે જણાવ્યું છે કે ગુજરાતમાં કરોડો લીટર દારુ પકડાય છે. થોડા દિવસ પહેલાં જ વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાંથી દારુ પકડાયો ઙતો. હાર્દિકે લખ્યું છે કે વિજયભાઈ, તમને બહુ લાગી આવ્યું હોય તે રાજસ્થાનના મુખ્યમંત્રીને પડકાર ફેંકો કે હવે ગુજરાતમાંથી દારુની એક પણ બોટલ પકડાશે તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ તમે એ પડકાર ફેંકી શકશો નહીં. ગુજરાતની જનતાની સાથે ઈમોશનલ રમત રમવાનું બંધ કરો.

હાર્દિકે જણાવ્યું કે પાછલા બે વર્ષના આંકડા જોતા જણા થાય છે કે દારુમાં ઉપયોગમાં લેવાયેલા 16,033 વાહનો પકડાયા છે અને 3,13,642 દારુની બોટલ તથા 90,22.408 વિદેશી દારુની બોટલ પકડાઈ છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ વેચાય છે અને પીવાય છે. ગુજરાતમાં દારુબંધી નથી એ જગજાહેર છે. ગુજરાતમાં દારુ વેયાય છે તેની પાછળ તમારી સરકાર જવાબદાર છે. સુરત, વાપી, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જિલ્લાની હદો પર સૌથી વધુ હપ્તા બંધાયેલા છે.

હાર્દિકે વધુમાં કહ્યું કે ભાજપના ઘણા બધા હોદ્દેદાર દારુનું વેચાણ કરતા પકડાયા છે. દારુ બાબતે કોઈ પણ પાર્ટીના નેતા બોલશે નહીં કારણ કે બધાને અમૃતની જરૂર પડે છે.