આવી દિવાલ જોઈને છક થઈ જશો: ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિમી લાંબી બનશે ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’

કેન્દ્ર સરકાર દેશમાં પર્યાવરણ અને સંરક્ષણ અને લીલોતરી વિસ્તારને વધારવા માટે ૧,૪૦૦ કિલોમીટર લાંબી ગ્રીન વોલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધીના લીલોતરી વિસ્તાર મુજબ ગુજરાતથી લઇને દિલ્હી-હરિયાણા સુધી ’ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ને વિકસિત કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકામાં આવેલ ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારની જેમ ભારતમાં ગુજરાતથી નવી દિલ્હી સુધી ૧૪૦૦ કિમી લાંબી જ્યારે ૫ કિમી પહોળી ’ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ બનાવાનું સરકાર વિચારી રહી છે. આફ્રિકામાં ક્લાઇમેન્ટ ચેન્જ અને રેગીસ્તાનને રોકવા માટે લીલોતરી વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે.

જો કે આ વિચાર તો હાલ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ ઘણા મંત્રાલયોના અધિકારીઓ તેને લઇને ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મહોર લાગી જશે તો ભારતમાં વધતાં પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં આ એક ઉદાહરણ સમાન હશે. પોરબંદરથી લઇને પાણીપત સુધી બનનારા આ ગ્રીન બોલ્ટથી ઘટી રહેલા વન ક્ષેત્રમાં વધારો થશે.

પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણ વિસ્તારમાંથી દિલ્હી સુધી ઉડીને આવતી ધૂળનું પ્રમાણ આ વોલ બનતાં રોકાશે. જો કે એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે ભારતમાં ઘટી રહેલો વન વિસ્તાર અને વધતાં રણના વિસ્તારને રોકવા માટે આ પ્રસ્તાવ હાલમાં સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ માંથી આવ્યો છે. જો કે આ પ્રસ્તાવ હજુ સુધી અંતિમ ચરણમાં મંજૂરી માટે પહોંચ્યો નથી.

આફ્રિકામાં ગ્રેટ ગ્રીન વોલનું કામ અંદાજે એક દાયકા પહેલા શરૂ થઇ ગયું હતું. ભારત સરકાર આ પ્રસ્તાવને ૨૦૩૦ સુધી રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખી પુરુ કરવાનો વિચાર છે. જેના હેઠળ ૨૬ મિલિયન હેકટર જમીન પ્રદૂષણથી મુક્ત કરવાનો લક્ષ્ય છે.