દિવાળી ગિફટ: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો, POKના વિસ્થાપિતો માટે પણ રાહત

આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોદી સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી ભેટની ઘોષણા કરી હતી. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 12% થી વધારીને 17% કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આની ઘોષણા કરતા કહ્યું કે મોદી સરકારના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડનો વધારાનો બોજો પડશે. આ નિર્ણય પછી, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના 12 ટકાથી વધીને હવે 17 ટકા થઈ ગયું છે. તેનો લાભ જુલાઈ 2019થી મળશે. આ સાથે પીઓકેમાંથી વિસ્થાપિત લોકોને રૂ. 5..5૦ લાખની આર્થિક સહાય આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ તહેવારની સિઝનમાં સરકારી કર્મચારીઓને ભેટ આપવાની જાહેરાત કરતા કહ્યું, ‘પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરીને 17% કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પર અમારા 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે. અમે મોદી સરકારના નેતૃત્વમાં ઘણા ક્ષેત્રોમાં ખૂબ સારું કામ કર્યું છે અને તેની અસર પણ દેખાય છે. જાવડેકરે જણાવ્યું હતું કે પ્રથમ વખત 5% ડીએ વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રકાશ જાવડેકરે પીઓકેના વિસ્થાપિત લોકોને વળતર આપવાની જાહેરાત કરતા કહ્યું કે આનાથી ઐતિહાસિક ભૂલ સુધારવા માટેની તક પૂરી પાડશે. તેમણે કહ્યું, ‘આજે જમ્મુ-કાશ્મીર માટે કેબિનેટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશના અન્ય ભાગોમાં સ્થાયી થયેલા અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પરત આવેલા પીઓકેથી વિસ્થાપિત થયેલા 5300 પરિવારોને 5.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં આયુષ્માન ભારત યોજનાને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી માત્ર બે રાજ્યો બંગાળ અને દિલ્હી છે જેણે તેની શરૂઆત કરી નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 31 લાખ લોકોના કાર્ડ બની ગયા છે. આ કાર્ડ ગરીબ લોકોને સારવાર માટે 5 લાખ સુધીની સહાય માટે બનાવવામાં આવ્યું છે.

સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે આધાર પ્રદાન કરવાના આદેશને પણ વધાર્યો છે. હવે 30 નવેમ્બર સુધીમાં ખેડૂતોએ આધાર આપવાનો રહેશે. અગાઉ આ તારીખ 1 ઓગસ્ટ 2019 હતી.