108 એમ્બ્યુલન્સ 45 મીનીટ મોડી આવી અને CM રૂપાણીના પિતરાઈ ભાઈ બચી શક્યા નહીં, કલેક્ટરે કર્યો આવી રીતે એમ્બ્યુલન્સનો બચાવ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પિતરાઇ ભાઈ અનિલ સંઘવીનું નિધન થયું છે. દુખની વાત એ છે કે રાજકોટના રહેવાસી અનિલ સંઘવીની તબિયત લથડતાં પરિવારના સભ્યોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ સમયસર આવી ન હતી, જેથી સમયસર સારવાર મળતી નહોતી. મળતી માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી આવી. બાદમાં વિજય રૂપાણી પોતે પણ તેમના ભાઈના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.

ચોથી ઓક્ટોબરે અનિલ સંઘવીનું અવસાન થયું. તેઓ પરિવાર સાથે રહેતા હતા. જ્યારે તેમને શ્વાસની તકલીફ થઈ ત્યારે પુત્ર ગૌરાંગે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ એમ્બ્યુલન્સ આવી ન હતી, ત્યારે વાંરવાર ફોન કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એમ્બ્યુલન્સ 45 મિનિટ પછી આવી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  પરંતુ હોસ્પિટલ જતા અનિલ સંઘવીએ અંતિમ શ્વાસ લીધા હતા.

જ્યારે 108 એમ્બ્યુલન્સની બેદરકારી ફરીયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી ત્યારે તેમણે કલેક્ટર પાસેથી સંપૂર્ણ માહિતી લીધી અને આ મામલે તપાસના આદેશ આપ્યા. રાજકોટના કલેક્ટર રમૈયા મોહન 108 એમ્બ્યુલન્સ સેવાની તરફેણ કરતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે સરનામાંની પૃષ્ટિ કરવા માટે બે વાર પરિવાર સાથે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પરિવાર સાથે વાત કરી શક્યો નહીં. એકંદરે અપૂરતુ સરનામું હોવાના કારણે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નથી.

આ ઘટનાના સામે આવ્યા બાદ  ગુજરાતમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ પર સવાલ ઉભા થવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મુખ્યમંત્રીના ભાઈને સમયસર એમ્બ્યુલન્સ સેવા મળી શકતી નથી, ત્યારે સામાન્ય માણસની સ્થિતિ શું હશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર તેની આરોગ્ય સેવાઓને દેશની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવા ગણાવે છે અને કહે છે કે સસ્તી અને ઝડપી સારવાર ગુજરાતમાં થાય છે.