હવે કાળા નાણાને સગેવગે કરનારા પર સિકંજો, સ્વીસ બેન્કના ખાતેદારોનું લિસ્ટ મોદી સરકારના હાથમાં આવી ગયું

વિદેશની ધરતી પર કાળા નાણાની રેલમછેલ કરી સ્વીસ બેન્કમાં જમા કરાવનારા કાળા નાણાના સૂત્રધારોનું હવે આવી બનવાનું છે. સ્વીટઝર્લેન્ડની સરકારે સ્વીસમાં જેટલા ભારતીયોના ખાતા છે તેની જાણકારી મોદી સરકારને આપી દીધી છે. સ્વીસ બેન્કના ખાતેદારાનું લિસ્ટ હવે મોદી સરકારના હાથમાં આવી ગયું છે. સ્વીસ બેન્કમાંથી ખાતેદારોનું લિસ્ટ મેળવનારું ભારત ગણતરીના દેશો પૈકીનું એક છે.

સ્વીટઝર્લેન્ડના ટેક્સ વિભાગે જણાવ્યું કે ભારત સરકારને હવે પછીની માહિતી 2020માં સોંપવામાં આવશે. સ્વીટઝર્લેન્ડમાં દુનિયાના 75 દેશોના અંદાજે 31 લાખ ખાતા છે. જે રડાર પર છે. આમાં ભારતના પણ ધનકૂબેરોના ખાતાનો સમાવેશ થાય છે.

સ્વીટઝર્લેન્ડ પાસેથી ખાતાઓની માહિતી મળ્યા બાદ સરકારી સૂત્રોએ જણાવ્યું કે બેન્કમાં બધા જ ખાતા ગેરકાયદે નથી. એવાં જ ખાતેદારો સામે કાર્યવાહી કરાશે જેમના ખાતા ગેરકાયદે રીતે ખોલવામાં આવ્યા હોય અને તે ભારતીય નાગરિક હોય. હવે પછી આવા ખાતેદારોની માહિતી એકત્ર કરી કાર્યવાહી કરવામાં આવશે.