બદરૂદ્દીન શેખ કરી રહ્યા છે ગુજરાતના કોંગ્રેસી મુસ્લિમોને જમા, રવિવારે અમદાવાદના દાણી લીમડામાં સંમેલન

ગુજરાત કોંગ્રેસમાં મનમાની અને કોંગ્રેસમાં મુસ્લિમોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપનારા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દન શેખના આક્રમક મિજાજ નરમ પડ્યા નથી. અમદાવાદના બહેરામપુરાની પેટાચૂંટણીમાં ઝફર અજમેરીના બદલે અમદાવાદ કોર્પોરેશનમાંથી રીટાયર થયેલા આયાતી ઉમેદવાર કમરૂદ્દીન પઠાણને ટીકીટ આપી દેવામાં આવતા બદરૂદ્દીન શેખે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા છે.

રાજીનામા આપ્યા બાદ બદરૂદ્દીન શેખ શાંત થયા નથી. ટેલિફોન પર તેમણે વાત કરતા જણાવ્યું કે જૂનાગઢના આઠ વોર્ડમાં મુસ્લિમોના મતો નિર્ણાયક હોવા છતાં ત્યાં ભાજપનો વિજય થયો, આ બાબત ખૂબ જ ગંભીર છે. કોંગ્રેસમાં મુસ્લિમોને થઈ રહેલા અન્યાય અને કોંગ્રેસ મુસ્લિમો માટે શું વિચારે છે તે માટે આગામી રવિવારે દાણી લીમડાની આયેશા સ્કૂલમાં મુસ્લિમ સમાજનું સંમલેન યોજવામાં આવ્યુ છે.

તેમણે જણાવ્યું કે સંમેલનમાં ગ્યાસુદ્દીન શેખ, મો.જાવીદ પીરઝાદા, મુર્તુઝા ખાન અને કદીર પીરઝાદા જેવા કોંગ્રેસના 150 જેટલા મુસ્લિમ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. નેતાઓ અને કાર્યકરોની સાથે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમાજ તરફ બદલાયેલા અભિગમ અને દ્રષ્ટિકોણ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

હાલ ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણી યોજવામાં આવી છે અને 21મી તારીખે મતદાન છે. મતદાન પહેલાં કોંગ્રેસમાં થઈ રહેલા કડાકા-ભડાકાના અનુસંધાને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાત દોડી આવ્યા છે. સામી ચૂંટણીએ બદરૂદ્દીન શેખની સંમેલનની જાહેરાતથી કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડી જવા પામી છે.