સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓની પાંચ લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હોવાના પત્રથી ખળભળાટ વ્યાપી ગયો છે. રાંદેર પોલીસે સમગ્ર ઘટના અંગે માત્ર અરજી લીધી અને ફરીયાદ દાખલ કરી ન કરી રહસ્ય જન્માવી દીધું છે.
રાંદેરની બેન્ક ઓફ બરોડાના મેનેજર અને પંચરત્ન એપાર્ટમેન્ટ, આનંદ મહેલ રોડ ખાતે રહેતા મનુભાઈ પરમારે રાંદેર પોલીસને પાંચની ઓક્ટોબરે અરજી આપી જણાવ્યું છે કે રાંદેર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડની શાખામાં કુલ 12 જણાનો સ્ટાફ નોકરી કરે છે. પાંચમી ઓક્ટોબરે આશરે પાંચક વાગ્યાની આસાપસ પોસ્ટ ખાતાનો પોસ્ટમેન એક સાદું કવર બેન્કની શાખા પર આપી ગયો હતો. આ કવર સમીર સૈયદે લીધું હતું. પત્ર ખોલતા જાણવા મળ્યું છે કે આ પત્ર બેન્કમાં કરી કરતા ચીનવાલાના નામ સાથે પત્ર લખવામાં આવ્યો છે.
પત્રમાં ચીનવાલા અને બેન્કમાં નોકરી કરતા નૂરજહા નામની કર્મચારીની પાંચ લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીનવાલા અને નૂરજહાં બેન્કમાં નોકરી કરે છે. બન્નેને મારી નાંખવા માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હોવાનો પત્રના આધારે મેનેજરે અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
બેન્કના મેનેજર મનુભાઈ પરમારે આ અંગે રાંદેર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને રાંદેર પોલીસે માત્ર સાદી અરજી લીધી છે અને પત્રને જે પ્રકારે ગંભીરતાથી લેવાનો હતો તે ગંભીરતાથી લીધો ન હોવાનું જણાઈ આવી રહ્યું છે. પત્રની કોપી પોલીસને સુપરત કરવામાં આવી છે. રાંદેર પોલીસે આ ઘટના અંગે ગંભીરતાથી તપાસ કરવાની રહે છે અને પત્ર ક્યાંથી પોસ્ટ થયો તેની તપાસ કરી પાંચ લાખ રૂપિયામાં સોપારી આપવાની ધમકી આપનારની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની રહે છે.