ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની 6 સીટના બાય ઈલેક્શનમાં તમામે તમામ બેઠક કબ્જે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ કુલ 6 પૈકી 3 બેઠક જીતવી એ ભાજપ માટે ખૂબ જ પડકારજનક બની છે. ટિકીટની વહેંચણી બાદ જે પ્રકારે ભાજપમાં જ અસંતોષ પ્રવર્તી રહ્યો છે તે જોતા ભાજપની આંતરિક લડાઇ જ ભાજપના ગુજરાતના નેતાઓ માટે આકરી કસોટી કરનારી બને તેવી શક્યતા છે. ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બન્યા બાદ ભાજપે તમામ 6 બેઠકો પર ભગવો લહેરાવવા કવાયત શરૂ કરી છે.
જો કે 6 પૈકી 3 બેઠકો પર ભાજપ માટે ખૂબ કપરા ચઢાણ છે. 6 પૈકી અમરાઈવાડી, ખેરાલુ અને થરાદ ભાજપનો ગઢ હોવાથી અહીં ભાજપે કદાચ વધારે પ્રયત્ન કરવા નહીં પડે. પરંતુ અન્ય ત્રણ બેઠક રાધનપુર,બાયડ અને લુણાવાડા પર ભાજપ માટે જીતવુ ઘણું જ આકરું સાબિત થઇ શકે છે.
લુણાવાડા બેઠક પર ભાજપે બ્રાહ્મણ ઉમેદવાર જીગ્નેશ સેવકને ટીકીટ આપી છે. પરંતુ સ્થાનિક બ્રાહ્મણ નેતાઓ જ અંદરખાને તેમની વિરૂદ્ધ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મહીસાગર જિલ્લા પ્રમુખ જેપી પટેલે પણ ટીકીટ માંગી હતી પરંતુ તેમની ટીકીટ કપાતા પાટીદારો પણ નારાજ છે. અહીં એનસીપીએ ભરત પટેલને ચુંટણી જંગમાં ઉતર્યા છે જેનો આમ તો ફાયદો ભાજપને થવાનો છે. પરંતુ ભાજપને ઓબીસી, એસસી અને એસટી મતદારોના મત ન મળે તેવી ભીંતિ પણ છે. કેમકે કોંગ્રેસે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપે છે જેથી આ મતદારોનો ફાયદો સીધો જ કોંગ્રેસને રહે તેવી શક્યતા છે.
બીજી તરફ બાયડ બેઠક પર પણ એનસીપી ભાજપને નુકસાન કરાવી શકે છે. બાયડ સીટ પર ઠાકોર મતદારો વધારે છે. પરંતુ એનસીપી એ ઠાકોર વોટમાં ભાગ પડાવી શકે છે. કારણ કે અહીં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહનો દબદબો વધારે છે અને તે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના વોટ તોડી શકે છે.
કોંગ્રેસે અહીં જશુ પટેલને મેદાને ઉતાર્યા છે. આમ બાયડમાં 36 હજાર જેટલા પાટીદાર મતદારો છે પરંતુ એ સિવાયના સવર્ણ મતદારો પણ કોંગ્રેસ તરફી મતદાન કરે તેવું હાલ વાતાવરણ છે.વાત કરીએ રાધનપુરની તો અહીં ભાજપે પક્ષ પલટુ અલ્પેશ ઠાકોરને જ ટીકીટ આપી છે. રાધનપુરમાં આમ તો ઠાકોર અને ચૌધરી મતદારોનું વર્ચસ્વ છે. વળી ૩ ઠાકોર અને 2 ચૌધરી ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાથી તેઓ ભાજપના વોટ તોડશે એ નક્કી છે. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. આમ તો અલ્પેશ સામે કોઇ ખુલીને વિરોધ નથી કરતું પણ અંદરખાને તેમના વિરૂદ્ધ નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ સિવાય અમરાઈવાડી બેઠક પર આમ તો ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે. પરંતુ જગદીશ પટેલની લીડ ઘટે તેવી પૂરી શક્યતા છે. ભાજપના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ આ ચૂંટણી દરમિયાન બે જૂથ આમને સામને છે. જેના કારણે એક જૂથ પ્રચાર દરમ્યાન નિષ્ક્રિય રહે તેવી શક્યતા હોવાથી જગદીશ પટેલની જીતની લીડ પર તેની ચોક્કસ અસર પડશે. આમ ભાજપ માટે મહત્વની ગણાતી બેઠકો પર ઘણા પડકાર છે.
સૌથી મહત્વની વાત એ છે કે પેટાચૂંટણીમાં કલમ 370 રદ્દ કરવાનો મુદ્દો જ ભાજપ માટે ઓક્સિજન આપી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ ભાજપ માટે ગુજરાતની 6 વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી એક પ્રકારે લિટમસ ટેસ્ટ સમાન બની રહેનારી છે.