સલમાન ખાન ફરી આવી રહ્યો છે રાધેના લૂકમાં, ટૂંક સમયમાં થશે જાહેરાત

વોન્ટેડ ફિલ્મ બાદ હવે ફરી એકવાર સલમાન ખાન અને પ્રભુદેવાની જોડી દબંગ-3 આવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે 20મી ડિસેમ્બરે રિલીઝ થશે. હાલ સલમાન ખાન તેની કોપ ડ્રામા ફિલ્મ દબંગ-3નું શૂટિંગ સમાપ્ત કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે સલમાન અને પ્રભુ દેવા પણ ત્રીજી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાલ્લાહમાંથી કન્ની કાપ્યા બાદ સલમાન ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મની ઘોષણા કરવા જઇ રહ્યો છે. જે આવતા વર્ષે ઇદ નિમિત્તે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે સલમાન અને પ્રભુદેવાએ સોહિલ ખાન સાથે પણ વાત કરી છે

રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું નામ રાધે હશે. ફિલ્મનું આ નામ સલમાન ખાનની ફિલ્મ તેરે નામ પરથી લેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે ઈદ નિમિત્તે રિલીઝ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને પ્રભુ દેવાની જોડીથી આ ત્રીજી ફિલ્મ કરવા સજ્જ છે અને આ ફિલ્મ કોરિયન ફિલ્મની હિન્દી રિમેક હશે. જેનું નામ અને વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અત્યારે સલમાનના ફેન્સ આતુરતાથી સલમાન ખાનના દબંગ-3ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. 20મી ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને સાંઇ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાને આ ફિલ્મ માટે ઘણું વજન ઉતાર્યું છે.