કપાસનો મબલક પાક છતાં 1150માંથી હવે માત્ર 650 જેટલી કોટન મીલો શરૂ થવાની સ્થિતિમાં

ગુજરાતમાં કપાસની સ્થિતિ આ વખતે જોરદાર રહી છે. સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદના કારણે કપાસના પાકમાં બગાડની અસર વચ્ચે પણ ગુજરાતમાં કપાસનું મબલક ઉત્પાદન થવાનું છે. છતાં કોટન મીલોની સ્થિતિમાં સુધારો આવે એવી શક્યતા બહુ ઓછી છે. મીલોમાં નવા કપાસને પિંજવાનું દિવાળી આસપાસ શરુ થવાનું છે.

આ ક્ષેત્રના સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં સ્થાપિત થયેલી કોટન મીલોની સંખ્યા આશરે 1150 છે. એમાંથી પાછલા વર્ષમાં 720 જેટલી મીલો શરુ થઇ હતી. જોકે આગામી સીઝનમાં તેની સંખ્યા વધુ ઘટીને 600 -650 આસપાસ પહોંચી જશે. ગુજરાતમાં 1150 જેટલી હતી પરંતુ 2012-13થી ડિસ્પેરીટી અને બેંક ક્રેડિટના બોજને લીધે ક્રમશ: બંધ થવા લાગી હતી. હવે ફક્ત 800થી 850 મીલો હયાત બચી છે.

કોટન મીલ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે 2012-13માં રૂના ભાવમાં ભારે ચડાવ ઉતાર થયા હતા ત્યારે મોટી નુક્સાની સાથે મીલો બંધ થવા લાગી હતી. એ વખતે રૂનો ભાવ રૂ. 40 હજાર થયો અને પછી વધીને રૂ. 60 હજારે પહોંચ્યો. બીજી સીઝનમાં રૂ. 30-32 હજાર થઇ જતા જિનો ફસાઇ ગઇ હતી. બેંકોના મોટાં દેવા થઇ ગયા હતા.

પાછલી ત્રણ સીઝનથી મીલો મોટાભાગે ડિસ્પેરીટી નો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવ નીચાં છે અને અહીંથી નિકાસ મુશ્કેલ છે. કપાસ ઉંચા ભાવમાં મળે છે અને મીલોને રૂ સસ્તું વેંચવું પડે છે એટલે પણ મીલોને મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે સરકારે ટેકાનો ભાવ રૂ. 1110 રાખ્યો છે. કપાસનો મબલક પાક છે એ કારણે મળતર મુશ્કેલ બનશે અથવા સીસીઆઇ ખરીદીમાં આવશે તો મીલો માટે વધારાની સમસ્યા શરુ થશે એવું સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના કહેવા પ્રમાણે અસંખ્ય કોટન મીલોએ અગાઉ ક્ષમતા કરતા વધારે રકમની બેંક ક્રેડિટ લઇ લીધી હતી. આવી મીલોને નાણાની સમસ્યા છે એટલે હવે સી.સી. રિન્યૂ થાય એમ નથી. કેટલીક મીલો એવી પણ છેકે છ મહિના જ ચાલી શકે એમ છે એટલે શરુ થતી નથી. કારણકે ખર્ચા અને સી.સી.નું વ્યાજ આખા વર્ષનું ભરવું પડતું હોય છે. રોજિંદા ખર્ચા અને કર્મચારીઓનો પગાર પણ મીલોને પાલવે તેવો રહ્યો નથી. એ કારણે આખું વર્ષ ચલાવવાની ક્ષમતા હોય તેવા મીલો જ શરુ થવાની શક્યતા છે.

ભારે વરસાદ પછી કપાસના પાકને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વ્યાપક નુક્સાન થયું છે. જોકે હવે વરસાદ અટકીને તડકો નીકળતા ખેડૂતોને રાહત મળી છે. આ વર્ષે ગુજરાતનો રૂનો પાક (મહારાષ્ટ્રના કપાસ સહિત) 125 લાખ ગાંસડી રહેશે એવો અંદાજ આરંભે મૂકાતો હતો. જોકે વરસાદ પછી બગાડને લીધે ચિત્ર પલટાતા હવે આંકડો 115થી 118 લાખ ગાંસડી વચ્ચે આવી જશે તેવી ધારણા છે. છતાં પાછલા વર્ષની તુલનાએ રૂનો પાક 30 લાખ ગાંસડી વધુ આવવાની ધારણા છે.