એક તરફ ડાગળી ચસકાવતી ડૂંગળી, તો બીજી તરફ લસણના લપકારા, જાણો એક કિલોના કેટલા રૂપિયા છે?

એક તરફ ડુંગળીની બૂમરાણ ચાલી રહી છે તો બીજી તરફ માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચ્યાં છે. ભારે વરસાદને પગલે લસણનું ફેરવાવેતર કરવું પડે તેવી સ્થિતિ અને સ્ટોકિસ્ટોની મોટી માંગથી લસણનાં ભાવ 20 કિલોના 2500થી 3000ની સપાટીએ પહોંચ્યા છે, જ્યારે રિટેલ બજારમાં ભાવ વધીને 200 પ્રતિ કિલો પહોંચી ગયાં છે.

લસણ સાથે સંકળાયેલા એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતુંકે ગુજરાતમાં લસણનું વાવેતર દિવાળી આસપાસ શરૂ થાય છે, પરંતુ મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રેદશમાં વાવેતર ઓક્ટોબર મહિનાથી શરૂ થતા હોય છે.

ચાલુ વર્ષે આ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ અને કેટલાક વિસ્તારમાં ફેર વાવેતર કરવા પડ્યાં છે. વળી બિયારણ માટે સ્ટોક કરેલું લસણ બગડી ગયું હોવાથી તેની અસર પણ બજારમાં દેખાય રહી છે.

આ તરફ ઊંચા ભાવને પગલે નવી સિઝનમાં વાવેતર વધારે થશે તેવી ધારણાએ સ્ટોકિસ્ટોએ બિયારણ માટે લસણની મોટી ખરીદી કરીને સ્ટોક કર્યો છે. આમ ખુલ્લા બજારમાં લસણની આવકો ખાસ ન હોવાથી ભાવ આસમાને પહોંચ્યાં છે.

ગુજરાતમાં લસણનાં ભાવ 20 કિલોનાં રૂ૨૦૦૦થી 2500ની વચ્ચે ક્વોટ થાય છે. અમુક સારી ક્વોલિટીમાં ભાવ 20 કિલોનાં 2700 સુધી પહોંચ્યાં હતાં.

ટ્રેડરો કહે છેકે લસણની તેજી લાંબી ચાલશે અને નવી સિઝનને હજી ઘણી વાર હોવાથી સરેરાશ ભાવ હજી બે મહિના સુધી ઊંચા રહી શકે છે.