સુરતમાં આસિ. ઈજનેરની ભરતી મામલે સાંસદ સીઆરપાટીલ V/S મ્યુનિ કમિશનર બચ્છાનિધી પાની

સુરત મહાનગરપાલિકા દ્વારા આસિ. ઈજનેરની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે પરીક્ષા પણ લેવામાં આવી રહી છે. દરમિયાનમાં નવસારીના સાંસદ સીઆર પાટીલ આસિ.ઈજનેરની ભરતીને લઈ ગેરરીતિઓ થઈ રહી હોવાનો આરોપ મૂકી પરીક્ષા રદ્દ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને સુરતના મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધી પાનીએ સાંસદ સીઆર પાટીલની માંગને ફગાવી દીધી હતી અને પરીક્ષા રદ્દ નહીં થાય તેવી જાહેરાત કરી છે. જોકે, મ્યુનિ. કમિશર પાનીએ ગેરરીતિઓ અંગે તપાસ કરવાની ખાતરી આપી છે.

મ્યુનિ.કમિશનર બંચ્છાનિધી પાની એ આસિ.ઈજનેર ભરતી પ્રક્રિયામાં જાગૃત સાંસદ સી.આર. પાટીલ દ્વારા લેખિતમાં થયેલ ગેરરીતિના આરોપોને હાલ સ્પષ્ટપણે નકારી તેમની આવી ફરિયાદ સાવ પાયાવિહોણી હોવાનો અંદેશો આપી દીધો છે. સુરતમાં એક સમયે સાંસદ કાશીરામ રાણા દ્વારા ડિમોલિશન મેન તરીકે ઓળખાયેલા મ્યુનિ. કમિશનર એસ.આર.રાવ સામે આવી જ રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે વખતે કાશીરામ રાણાએ એવું કહ્યું હતું કે કાં રાવ રહેશે કાં હું રહીશ. ભરતી પ્રકરણમાં પણ કાશીરામ રાણાવાળી થઈ રહી છે.

સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ચીંટી ખોળી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં અસલમ સાયકલવાળાએ કહ્યું છે કે ચાર દિવસ પહેલા સાંસદ દ્વારા ભરતી બાબતે જે આક્રમક તેવર હતા એ જાળવી રાખશે.? કે પછી પક્ષના આદેશ અને શિસ્તના નામે લોક કહેવત “ઘીના ઠામમાં ઘી પડે” ને યથાર્થ ઠેરવતા હોય તેમ આ વિવાદાસ્પદ મુદ્દે “મૌન” ધારણ કરશે.?

તેમણે કહ્યું કે ત્રણ ટર્મના સાંસદ દ્વારા જે આક્ષેપો લેખિતમાં થયા છે તેમાં કંઈક તો તથ્ય હશે જ અને પૂરતી તપાસ કે જાણકારી મેળવ્યા વગર સાંસદ પોતાના પક્ષના શાસન સામે આવી રીતે જાહેરમાં બાંયો તો ન જ ચઢાવે. સાંસદ પાટીલ આ બાબતમાં છત્રપતિ શિવાજી મહારાજ-ગાંધી સંકલ્પ સાથે વધુ આક્રમકતા સાથે આગળ વધી અન્યાયી થયેલા પરિક્ષાર્થીઓના હિતોને ન્યાય અપાવશે એવી અપેક્ષા રાખવાની રહે છે.