INX મીડિયા કેસ: 71 પૂર્વ અધિકારીઓએ PM મોદીને લખ્યો ખૂલ્લો પત્ર, કહ્યું “રાજકારણ કરવા અમને ન બનાવો ટારગેટ”

INX મીડિયા કેસમાં નાણા મંત્રાલયના ચાર ભૂતપૂર્વ અધિકારીઓ સામે કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ 71 ભૂતપૂર્વ અધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ આ બાબતને ‘રાજકીય’ ગણાવી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આવી કાર્યવાહી હાલના અધિકારીઓને નિરાશ કરશે અને જોખમી પરિણામો આપનારી પુરવાર થશે.

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની અપીલ પર સરકારે ચાર ભૂતપૂર્વ અધિકારીઓ સામે INX મીડિયા કેસમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ ચાર ભૂતપૂર્વ અધિકારીઓ નાણાં મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આર પ્રસાદ, ડિરેક્ટર પ્રબોધ સક્સેના, જોઇન્ટ સેક્રેટરી અનૂપ પૂજારી અને એડિશનલ સેક્રેટરી સિંધુશ્રી ખુલ્લર છે.

સરકારે આ તમામ અધિકારીઓ સામે કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવાની સરકારે પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. ચિદમ્બરમ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.

PM મોદીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સરકારની સેવામાં કામકાજી જીવનને ખર્ચી નાંખનારા અધિકારી તરીકે આ મુદ્દો ઉઠાવવો અમારી ફરજ છે.  નાણાં મંત્રાલયના ચાર પૂર્વ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય ખૂબ જ જોખમી છે. મંત્રાલયમાં સેવા આપતી વખતે, અધિકારીઓ તેમની સેવાઓ આપવા માટે બંધાયેલા છે. નીતિપૂર્ણ લકવો દૂર કરવાના પ્રયાસમાં સરકારે ગયા વર્ષે એન્ટી કરપ્શન એક્ટમાં સુધારો કર્યો હતો. જેમાં નિવૃત્ત અથવા ફરજ બજાવતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પહેલાં સરકારની પરવાનગી લેવાની જોગવાઈ કરવામાં આવી હતી.

પત્ર પર હસ્તાક્ષર કરનારા પૂર્વ અધિકારીઓમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીપીપી રહેલાં મીરા બોરવંકર, પંજાબના ભૂતપૂર્વ અધિકારી જુલિયો રિબેરો અને મધ્યપ્રદેશમાં વધારાના મુખ્ય સચિવ રશ્મિ શુક્લા શર્માનો સમાવેશ થાય છે.

દેશભરના ભૂતપૂર્વ અધિકારીઓએ સરકારના આ પગલાને પ્રામાણિક સેવા માટે ગંભીર નિરાશા ગણાવી રહ્યા છે. પત્રમાં લખ્યું છે કે ‘આ પગલું  સિવિલ સર્વન્ટ માટે સૌથી ખરાબ આશંકાઓને સત્ય સાબિત કરી રહ્યું છે. અધિકારીઓ પાસે કોઈ ગેરંટી નથી કે તેમને વર્ષો પછી અપરાધિક કાર્યવાહીમાં ફસાવી દેવામાં આવશે નહીં, તેની કોઈ ગેરંટી આપી શકે એમ નથી.

INX મીડિયા કેસને રાજકીય ગણાવતા પત્રમાં જણાવ્યું છે કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અધિકારીઓ, ખાસ કરીને જેઓ હવે સેવામાં નથી રહ્યા, તેવા અધિકારીઓ રાજકીય લાભ લેવા માટેની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની તમામ શક્તિઓ, તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના, આ ગુના માટે દોષી છે.

આ અધિકારીઓ કહે છે કે જો પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આવી કાર્યવાહી કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે જે અધિકારીઓ સેવામાં આવશે તેઓ નિરાશ થશે. પ્રામાણિક અને સમર્પિત અધિકારીઓને પસંદગીના ધોરણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે તેમનો કોઈ દોષ નથી. હોદ્દા પર રહીવે આવા અધિકારીઓએ સરકારના નિર્ણયો અને નીતિઓ અમલમાં મૂક્યા હતા.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આ રીતે ખોદીને ફાઇલો કાઢવામાં આવશે અને આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવશે તો સરકારમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. અધિકારીની નિવૃત્તિ પછી કોઈ નિશ્ચિત સમય મર્યાદા હોવી જોઈએ કે તે પછી તેની સાથે સંબંધિત ફાઇલ ખોલવામાં આવશે નહીં. નિવૃત્તિ પછી અધિકારીઓએ શાંતિપૂર્ણ જીવન જીવવું જરૂરી છે.

પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ પર તે સમયે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને INX મીડિયાને મંજૂરી આપવાનો આરોપ છે. જો કે, સીબીઆઈની કસ્ટડીમાં હતા ત્યારે પી ચિદમ્બરમે દાવો કર્યો હતો કે આઈએનએક્સ મીડિયા ડીલને પ્રભાવિત કરવા માટે કોઈ અધિકારી દ્વારા તેમને ફસાવવામાં આવ્યા નથી. ચિદમ્બરમે એમ પણ દાવો કર્યો છે કે ભાજપના કહેવા પર તેમની સામે સીબીઆઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.