ગુજરાતીઓને ભાજપે વેતરી નાખ્યા, સિનિયર નેતાઓ સાઈડલાઈન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના જ્વરમા સૌથી વધુ નજર મુંબઈમાં આવેલી સીટો પર હોય છે. મુંબઈમાં ગુજરાતીઓનો દબદબો ખાસ્સો એવો રહ્યો છે અને ભાજપ દ્વારા ગુજરાતીઓને ટીકીટ આપવામાં આવે છે પણ આ વખતે ગુજરાતી નેતાઓની બાદબાકી કરી નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવતા ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

ભાજપના હાઈકમાન્ડમાં હાલ ગુજરાતી નેતાઓ સર્વેસર્વા છે પણ ગયા વખતે આપવામાં આવેલી સાત બેઠકોને સ્થાને આ વખતે ફક્ત ત્રણ બેઠકો ફાળવી હતી. આમાં પણ પીઢ ગુજરાતી નેતાઓને સાઈડલાઈન કરી નાખવામાં આવ્યા હોવાથી હવે મુંબઈના અંદાજે 40 લાખ ગુજરાતીઓનું ભાવિ નવા સૂકાનીઓના હાથમાં આવશે. બીજી તરફ ગુજરાતીઓને પડખે કાયમ ઊભા રહેતા રાજ પુરોહિતની પણ ટીકીટ કાપવામાં આવી છે.

શુક્રવારે સવારે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની ચોથી યાદી સાથે ભાજપે કુલ 150 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આમાંથી મુંબઈમાં ભાજપે 16 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે અને આમાંથી ફક્ત ત્રણ ગુજરાતી છે. એક અત્યારના પ્રધાન યોગેશ સાગર, મિહીર કોટેચા અને પરાગ શાહ. આની સામે લોકસભામાં કિરીટ સોમૈયા તેમ જ વિધાનસભામાં પ્રકાશ મહેતા અને રાજ પુરોહિત જેવા ગુજરાતીઓના અવાજને સાઈડલાઈન કરવામાં આવ્યા છે.

મુંબઈમાં અત્યારે ઉમેદવારી કરનારા બધા જ ગુજરાતી ઉમેદવારોની પડખે બધી જ જ્ઞાતિ, સમાજ અને મંડળે રહેવાની આવશ્યકતા છે. ગુજરાતી સમાજની બધી સેલિબ્રિટીઓએ અત્યારના તબક્કે ગુજરાતી ઉમેદવારોની પડખે મક્કમતાથી ઊભા રહીને તેમનો વિજય સુનિશ્ર્ચિત કરવો જોઈએ એમ જણાવતાં મનીષ શાહે જણાવ્યું હતું કે આવું થશે ત્યારે જ આગામી ચૂંટણીઓમાં ગુજરાતી સમાજને આદરપૂર્ણ સ્થાન આપવામાં આવશે.

કૉંગ્રેસે અમીન પટેલ, જયંતિ સિરોયા, કાલુ બુધેલિયા એમ ત્રણ ગુજરાતી ઉમેદવારોને ટીકીટ આપી છે. બીજી તરફ ભાજપના નગરસેવક મુરજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે અને શિવસેનાના પીઢ નગરસેવિકા રાજુલ પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.