ગુજરાત કોંગ્રેસની નીતિ સત્તા હાંસલ કરવાની તો નથી દુર રહી પણ પોતાના આગેવાનોને પણ સાચવવામાં નિષ્ફળ રહી છે. ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક આગેવાનનું રાજીનામું પડ્યું છે. આ આગેવાન મુસ્લિમ છે અને અમદાવાદના છે. આ પહેલાં કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે ફોટો ફટકો પડ્યો છે. હરિયાણાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક તંવરે રાજીનામું આપી દીધું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર બદરુદ્દીન શેખે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાની પાછળ અમદાવાદની બહેરામપુરાની પેટાચૂંટણીને કારણભૂત માનવામાં આવે છે. બહેરામપુરામાં પેરાશૂટ જેવા ઉમેદવારને ટીકીટ આપવામાં આવતા નારાજ થયેલા બદરૂદ્દીન શેખની સાથે તેર મેમ્બરોએ પણ રાજીનામા ધરી દીધા છે.
બદરૂદ્દીન શેખ આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટો ધડાકો કરી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ કોંગ્રેસને તરછોડી રહ્યા છે. અગાઉ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પક્ષ છોડી ગયા છે. તેમના પહેલાં પણ કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આજે જયરાજસિંહ પરમારે પણ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
જયરાજસિંહે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી સંકલનનો અભાવ છે. પાર્ટીને જાતિવાદનું ઝેર ખાઈ રહ્યું છે. પાર્ટીમાં રહીને કોઈ કોઈને પૂછતું નથી. હવે જો આવું જ કરવાનું હોય તો આ જાહેરજીવન અને રાજકારણનો કોઈ અર્થ નથી. ‘ આમ ગુજરાત કોંગ્રેસમાં હવે રાજકીય ધમસાણ ઘેરૂ થતું જઈ રહ્યું છે.
મુસ્લિમ અગ્રણી અને કોંગ્રેસના નેતા પેટાચૂંટણીની ટીકીટના કારણે નારાજ છે. તેમના મતે આયાતી ઉમેદવારને ટીકીટ મળતા વૉર્ડની ચૂંટણી હારી જવાની ભીતી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બદરૂદ્દીન શેખની નારાજગી દૂર નહીં કરવામાં આવે તો પાર્ટીને ભારે પડી શકે છે