હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક તંવરે નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ ટીકિટોની ખરીદી-વેચાણનો આરોપ મૂક્યો છે. અશોક તંવરે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં આરોપ મૂક્યો છે કે કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.
રાજીનામું આપ્યા બાદ અશોક તંવરે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા પર જોરદાર હુમલા કર્યા હતા.જોકે, તેમણે કોઈ નેતાનું નામ લીધું ન હતું. અશોક તંવરે પત્રકારોને જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષથી અમે લોકો લોહી-પરસેવો એક કરી હરિયાણામાં કોંગ્રેસને મતબૂત કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. પરંતુ હવે અવગણના કરવામાં આવી.
તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓની રાજકીય હત્યા કરવામાં આવી તેમાં હું, સંજય નિરુપમ અને અજય કુમારનું નામ આવે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પહેલા સંજય નિરુપમે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસનો પ્રચાર કરવાનો ઈન્કાર કર્યો છે.
પ્રેસ કાન્ફ્રેન્સમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદર જ કેટલાક લોકો કોંગ્રેસ મુક્ત છે. કેટલાક લોકો પાંચ વર્ષથી એસી ઓફીસમાં બેઠા છે, વિદેશોમાં રહે છે અને ચૂંટણીમાં તે સમયે હાજર થઈ જાય છે. આવા નેતાઓના કર્મ દેવતાવાળા નહીં પણ રાક્ષસી હોય છે. 24મી ઓક્ટોબરે માલૂમ પડી જશે કે આ લોકો કેટલા મોટા નેતા છે.
અશોક તંવરે કહ્યું કે રાહુલ ગાંઘીએ જે લોકોને આગળ વધાર્યા તેમને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તેમને મારવા સુધીની સાજીશ કરવામાં આવી રહી છે અન્ય કોઈ પાર્ટીમાં જવા અંગે તેમણે કહ્યું કે હાલ હું કોઈ પાર્ટીમાં જવાનો નથી. હવે પછીના પગલા વિશે સાથીઓ સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.