વેસ્ટ કેમિકલ ટેન્કર પ્રકરણ: અંકલેશ્વર GPCBના ત્રિવેદીએ આંખ આડા કાન કર્યા તો ભરૂચ GPCBના મોદીએ કરી મોટી કાર્યવાહી

ગઈ રાત્રે અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર-725માં આવેલી સહજાનંદ કેમિકલ નામની કંપનીમાંથી શંકાસ્પદ ટેન્કર નં. GJ2-ZZ-5657 કેમિકલ ભરી બહાર નીકળતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો દ્વારા જીપીસીબી અંકલેશ્વરના અધિકારી ત્રિવેદીને માહિતી આપવા અર્થે ફોન કર્યો હતો. જોકે તેમણે ફોન રિસીવ કર્યો ન હતો કે મોડેથી પણ જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન આ ટેન્કર હાઇવે પરથી ભરૂચ તરફ જતા ભરૂચ જીપીસીબીના અધિકારી ફાલ્ગુન મોદીને આ જાણકારી આપી હતી જ્યાં તેમણે તેમની ટીમને સાથે રાખી નબીપુર બ્રિજ પાસે આ ટેન્કરની તપાસ કરતા ટેન્કર ને વહન કરવાના કોઈ પણ જાતના અધિકારીક કે બિન અધિકારીક દસ્તાવેજો મળ્યા ન હતા.

ડ્રાઇવરે જણાવ્યું હતું કે જયેશ ભરવાડ દ્વારા આ કેમિકલ અંકલેશ્વરથી ભરાવવામાં આવ્યું છે અને અમદાવાદની બંધ કંપનીમાં ખાલી કરવાનું જણાવ્યું છે. જીપીસીબીની ટીમ દ્વારા સેમ્પલ ચકાસણી કરતા લાલ કલરનું વાસ મારતું અને પ્રાથમિક દ્રષ્ટિએ એસિડિક વેસ્ટ કેમિકલ જણાયું હતું. હાલ જીપીસીબીએ નબીપુર પોલીસમાં ફરિયાદ આપવાની પ્રક્રીયા શરૂ કરી છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો દ્વારા અંકલેશ્વર જીપીસીબીને એક અઠવાડીયા અગાઉ પણ મૌખિકમાં જણાવવામાં આવ્યું હતું કે  સહજાનંદ કેમિકલમાં ગેરકાયદેસર કેમિકલને સગેવગે કરવાની શંકાસ્પદ કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી. અને આજે પણ જયારે ટેન્કર લોડ થઈ રહ્યું હતું અને બહાર નિકળ્યું ત્યારે પણ જીપીસીબીના અધિકારીને ફોન કર્યા હતા, જેનો કોઈ જવાબ મળ્યો ન હતો. જો જીપીસીબી અંકલેશ્વર ત્વરિત કાર્યવાહી કરતે તો આ ટેન્કરને અંકલેશ્વર હદ વિસ્તારમાં પણ ઝડપી શકતે અને મુખ્ય સૂત્રધારને પણ સકંજામાં લઇ શકાય એમ હતું પરંતુ અંકલેશ્વર જીપીસીબીની કાર્યવાહી સુસ્ત જણાઈ હોવાની ફરીયાદ કરવામાં આવી છે.

આવા અનેક એવા કિસ્સાઓ બની રહયા છે જેમાં કેમિકલને ગેરકાયદેસર સગેવગે  કરવાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આવા બનાવોમાં મનુષ્યવધના બનાવો પણ બન્યા છે, છતાં તંત્રની નિષ્કાળજીના લીધે આવી પ્રવૃત્તિઓ આજે પણ બેરોકટોક ચાલી રહી છે.