મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં 124 સીટ પર રાજી થઇને શિવસેનાએ ભાજપનો નાનો ભાઇ બનવાનો સ્વીકાર કર્યોં છે. ભાજપે સીટોની વહેંચણીમાં બાજી મારવાની સાથે શિવસેનાને ચાર મોટા ક્ષેત્રમાંથી પણ બહાર કરી દીધું છે. પુણે, નવી મુંબઈ, નાગપુર અને નાશિકમાં વિધાનસભાની 20 સીટ છે, પરંતુ શિવસેનાના ખાતામાં આ ચારેય ક્ષેત્રની એક પણ સીટ નથી. એવામાં મુંબઈ અને થાણેની બહાર શિવસેનાની હાજરી નજરે જ નથી ચડતી. મુંબઈની 36 સીટમાંથી શિવસેના 19 અને ભાજપ 17 સીટ પરથી ચૂંટણી લડશે. થાણેમાં ભાજપને એક સીટ અને શિવસેનાના ભાગમાં ત્રણ સીટ આવી છે.
સીટ શેરિંગના 164-124 ફોર્મ્યુલામાં બંને સાથી પક્ષ અમુક શરતો પર પણ સહમત થયા છે. શિવસેનાનું કહેવું છે કે ભાજપ કોટાથી વિધાન પરિષદની બે વધારાની સીટોનું વચન આપવામાં આવ્યું છે. આરપીઆઇ અને આરએસપી જેવા સાથી પક્ષોને ભાજપ તેના કોટામાં એડજસ્ટ કરશે. જોકે, ભાજપે સ્પષ્ટતા કરી છે કે તે મુખ્ય પ્રધાનું પદ શેર નહીં કરે. તે સાથે જ શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનનું પણ નહીં આપવામાં આવે.
શિવસેના અને ભાજપ વચ્ચે ત્રણ દાયકા જૂનો પ્રેમ અને તકરારનો સંબંધ છે. 2014 પહેલા શિવસેનાએ ભાજપને 105થી 119 સીટ વચ્ચે ભાગીદારી આપી હતી. 2014માં શિવસેના 288 સીટમાંથી 151 સીટ પર ચૂંટણી લડવા ઇચ્છતી હતી. મોદી લહેર પર સવાર ભાજપે શિવસેના સાથે સીટોની વહેંચણી મુદ્દે ભારે સંઘર્ષ કર્યો, પરંતુ શિવસેના સીટો આપવા માટે રાજી ન થઇ. આનું પરિણામ એ આવ્યું કે ભાજપ અને શિવસેના અલગ-અલગ રીતે ચૂંટણી લડ્યા હતા. આમાં ભાજપે 122 સીટ પર જીત મેળવી, જયારે શિવસેનાએ 63 સીટ મેળવી હતી.
રાજકીય નિષ્ણાતો અનુસાર આ વખતે શિવસેનાએ વ્યવહારુ નિર્ણય લીધો છે. ભાજપ મોદી લહેર અને હિન્દુત્વ લહેર બંને પર સવાર છે. ઉદ્ધવ ઠાકરે ભાજપથી છૂટા પડીને અલગથી ચૂંટણી લડવાનું જોખમ ન લઇ શકે. કૉંગ્રેસ-એનસીપીની સાથે પણ ગઠબંધનની કોઇ શકયતા નથી, કારણ કે તેઓ સત્તા પર પરત ફરવાની સ્થિતિમાં નથી.
દરમિયાન શિવસેનાનું માનવું છે કે આદિત્ય ઠાકરેએ ચૂંટણીમાં ઝંપલાવતા હવે તેમની મોટા અંતરથી જીત નિશ્ર્ચિત કરવા માટે ગઠબંધન આવશ્યક હતું. પક્ષ તેને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર પણ ગણી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો 100થી વધુ સીટ પર જીત મળે તો શિવસેના મુખ્ય પ્રધાન અથવા નાયબ મુખ્ય પ્રધાન પદ માટે જોર લગાવી શકે છે.