ગુજરાતીની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત-11નું પહેલું પોસ્ટર લૉન્ચ

ચૉક એન્ડ ડસ્ટર જેવી ક્લાસિક ફિલ્મના સર્જક જયંત ગિલાટરની ગુજરાતી ફિલ્મ ગુજરાત-11નું પોસ્ટર ગુરૂવારે લૉન્ચ કરાયું હતું. ફિલ્મના પોસ્ટરમાં ટ્રોફી જોઈને ખ્યાલ આવી જાય કે આ કોઈ સ્પોર્ટ ફિલ્મ હશે. એ સાથે કપના બાર પાછળ કેદ બાળકને જોતા અંદાજો લગાવી શકાય કે એમાં બાળ ગુનેગારની પણ વાત હશે. હકીકતમાં ફિલ્મમાં જુવેનાઇલ બાળકોની સાથે સ્પોર્ટની વાત સાંકળવામાં આવી છે અને ડિઝાઇનરે ફિલ્મના હાર્દને બખૂબી પોસ્ટરમાં દાખવી છે.

ફિલ્મનું બીજું આકર્ષણ છે એની હીરોઇન. સલમાન ખાન સાથે રેસ-3માં ચમકેલી અને હવે સાઉથની ફિલ્મોમાં ડંકો વગાડી રહેલી ગુજરાતી અભિનેત્રી ડેઝી શાહ ગુજરાત-11માં ફૂટબોલ કૉચનું પાત્ર ભજવી રહી છે.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે જુવેનાઇલ હૉમના બાળકો. ડેઝી આ બાળ ગુનેગારોની ફૂટબોલની ટીમ બનાવે છે અને અનેક અડચણોનો મુકાબલો કરી તેમને એક ઉંચાઈએ પહોંચાડે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ગુજરાતના વિવિધ લોકાલ્સ પર કરવામાં આવ્યું છે.

ફિલ્મ અંગે જણાવતા નિર્માતા-દિગ્દર્શક જયંત ગિલાટરે જણાવ્યું કે અમે 11 ફેબ્રુઆરીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને 11 સપ્ટેમ્બરે એના ડબિંગની શરૂઆત કરી છે. ફિલ્મને ૨૨ નવેમ્બરે રિલીઝ કરાશે.