અમદાવાદની ફેશન ડિઝાઈનર વૃષ્ટિ છે લાપતા: રહસ્યના વાદળો, સોહા અલી ખાને કરી અપીલ

બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાને ટવિટર પર એક અપીલ કરી છે. જેમાં તેણે એક યુવતીના ગૂમ થવા અંગેનો ફોટો શેર કર્યો છે અને તેને લાપતા ગણાવી છે. આ સાથે જ સોહાએ મોબાઈલ નંબર પણ શેર કર્યો છે.

હકીકત એવી છે કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય વૃષ્ટિ જશુભાઈ પાછલા કેટલાક દિવસોથી લાપતા છે. મહત્વની વાત એ છે કે વૃષ્ટિનો બોયફ્રેન્ડ શિવમ પટેલ પણ પોતાના ઘરેથી લાપતા છે.

સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર અપીલ કરતા લખ્યું છે કે આ યુવતી અમદાવાદની છે. તેના માતા-પિતા અત્યંત ચિંતામાં છે. સોહાએ યુવતીને શોધવાની અપીલ કરી છે અને સાથે જ મોબાઈળ નંબર પણ શેર કર્યો છે.

જાણકારી પ્રમાણે 23 વર્ષની વૃષ્ટિનો પરિવાર વિદેશમાં રહે છે અને તે એકલી અમદાવાદમાં રહે છે. વૃષ્ટિ ફેશન ડિઝાઈનર છે.

સોહા અલી ખાને જે ફોન નંબર શેર કર્યો તેના પર સંપર્ક કરતા ફોન યુવતીના માતા રતનાબેને ઉપાડ્યો હતો અને તેમણે કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. વૃષ્ટિ ક્યાં છે તે અંગે તેમની પાસે કોઈ જ જાણકારી નથી અને તેઓ ભારે ચિંતામાં હોવાનું જણાઈ આવી રહ્યું હતું.