હવે ગુજરાતમાં 52 જાતના સાપના ઝેરમાંથી દવા બનાવવામાં આવશે, વલસાડમાં ઉભું થશે રિસર્ચ સેન્ટર

ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ થશે. તેમ જ સર્પના ઝેરમાંથી દવા પણ બનાવવામાં આવશે. દેશમાં ચેન્નાઇ બાદ ગુજરાતમાં આવા સંશોધન સંસ્થાનનું નિર્માણ થશે, એમ વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્પદંશ વ્યવસ્થાપન વિષય ઉપર એક દિવસીય વર્કશોપને ખુલ્લું મૂકતાં વસાવાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સાપની 3500 જેટલી જાતિઓ છે, જેમાંથી 300 જેટલી જાતિ મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે તેમ જ રાજ્યમાં વિવિધ બાવન અલગ અલગ જાતિના સાપ જોવા મળે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજયમાં 2004માં વન બહાર પચીસ કરોડ વૃક્ષો હતા.

તેમણે કહ્યું કે આજે આ વૃક્ષોની સંખ્યા 35 કરોડથી વધુને આંબી ગઇ છે. રાજ્યમાં ભૂતકાળમાં સિંહની સંખ્યા 18ની થઇ ગઈ હતી. આજે સિંહોની સંખ્યા 650 કરતાં વઘારે છે. છેલ્લે આવેલી મહાબીમારીના કારણે 24 જેટલા સિંહોના મૃત્યૃ થયા હતા.

રાજયના મુખ્ય વન સંરક્ષક ડો. ડી. કે. શર્માએ જણાવ્યું હતું કે, સાપ એ પ્રકૃતિની ખોરાક-ચેઇનનો એક મહત્ત્વનો ભાગ છે. તેમ જ સાપ એ ખેતરોમાંના ઉંદર અને અન્ય જીવજંતુ ખાઇ જઇ ખેડૂતોના મિત્રની ઉમદા ભૂમિકા અદા કરે છે. વિશ્વમાં જોવા મળતી સાપોની જાતિમાં માત્ર 350 સાપની જાતિ જ ઝેરી છે. વિશ્વમાં સાપ કરડવાના 50 લાખ જેટલા કિસ્સા બને છે, જેમાંથી 70 ટકા જેટલા કેસો એશિયા ખંડમાં બને છે. જે અંતર્ગત એક વર્ષમાં ભારત દેશમાં 12 હજાર જેટલા લોકોના મૃત્યૃ સર્પદંશની ઘટનાથી થાય છે.