ગૃહમંત્રી અમિત શાહે વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, જાણો કેટલું છે ભાડું?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બીજી વંદે ભારત એક્સપ્રેસની લીલી ઝંડી બતાવી છે. તેનાથી દિલ્હીથી કટરા વચ્ચેની મુસાફરી 12 કલાકની જગ્યાએ 8 કલાકમાં પૂરી થઈ જશે. મુસાફરો માટે ટ્રેન 5ઓક્ટોબરથી શરૂ થશે.

ગયા મહિને ભારતીય રેલવે બોર્ડ અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું હતું કે, દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પુરૂ થઈ ચૂક્યું છે. નવરાત્રિ દરમિયાન તેને શરૂ કરવામાં આવશે. અમે રેલવેના અન્ય વ્યસ્ત માર્ગોને અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રુટ ડિસેમ્બર 2021 સુધી તૈયાર થઈ જશે. 2022 સુધી 40 વંદે ભારત એક્સપ્રેસ તૈયાર થઈ જશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે તેમના ટવિટમાં કહ્યું હતું કે, નવી દિલ્હીથી દેશના સાંસ્કૃતિક પાટનગર વચ્ચે પહેલી વંદે ભારત એક્સપ્રેસના સંચાલન પછી નવી દિલ્હી અને કટરા વચ્ચે બીજી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે.

વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે 6 વાગે રવાના થશે અને બપોરે 2 વાગે કટરા પહોંચી જશે. કટરા આ જ ટ્રેન તે દિવસે બપોરે ૩ વાગે નીકળશે અને રાતે 11 વાગે દિલ્હી પહોંચી જશે. ટ્રેનના સ્ટોપેજ અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી હશે. આખી ટ્રેન એસી છે અને તેની બુલેટ ટ્રેન જેવી ડિઝાઈન કરવામાં આવી છે.

વંદે ભારત એક્સપ્રેસમાં 16 કોચ છે. તેમાં જનરલ ચેર કારના 14 કોચ (936 સીટ) અને બે એક્ઝિક્યુટિવ ચેર કાર (104 સીટ) રાખવામાં આવી છે. નવી દિલ્હીથી કટરા સુધીની જનરલ ચેર કારનું ભાડું 1600 અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 3000 રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી વારાણસી માટે સ્વદેશી ટ્રેન 18ને લીલી ઝંડી બતાવી હતી. તેનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ કરી દેવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે. તે ભારતીય રેલવે નેટવર્કની સૌથી ઝડપી સ્પીડ છે. વંદે ભારત ટ્રેનમાં પ્લેન જેવી સુવિધાઓ છે. જેવી કે, એસી, ટીવી, ઓટોમેટિક દરવાજા, હાઈક્લાસ પેન્ટ્રી અને લક્ઝુરિયસ વોશરૂમ જેવી સુવિધાઓ છે.