મહારાષ્ટ્ર ચૂંટણી: આદિત્ય ઠાકરેની ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી,CM ફડણવીસ ન રહ્યા હાજર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જોરમાં છે. ઠાકરે પરિવારમાંથી પહેલી વાર ઈતિહાસમાં કોઈ ફેમિલી મેમ્બર ચૂંટણી લડવા જઈ રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે ઈતિહાસ બનાવવા જઈ રહ્યા છે. આજે તેમણે મુંબઈ વર્લી વિધાનસભા સીટ માટે ઉમેદાવારી પત્ર ભર્યું હતું. પણ શિવસેનાની જોડીદાર પાર્ટી ભાજપ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉમેદવારી ભરવા ટાણે હાજર રહ્યા ન હતા. ભાજપના મુંબઈના પ્રમુખ મંગલ પ્રભાત ઉમેદવારી પત્ર ભરવા ટાણે હાજર જરૂર રહ્યા હતા.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે આજે સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત થઈ હતી અને તેમણે શૂભકામના વ્યક્ત કરી હતી.

ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણ ફાઈનલ થઈ રહ્યું નથી. શિવસેના તરફથી આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ફડણવીસે જાહેરમાં કહ્યું છે કે મુખ્યમંત્રીની પોસ્ટ ખાલી નથી. ત્યાર બાદ સરકાર રચવાની સ્થિતિમાં આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવા ક્યાસ કરવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાના છે અને તેની તૈયારીમાં તેઓ લાગી ગયા છે. આદિત્ય ઠાકરેએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા મેગા રોડ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.