ભાજપનો મોટો દાવ: છત્રપતિ શિવાજીનાં વંશજોને આપી લોકસભા-વિધાનસભાની ટીકીટ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પહેલાં મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે 125 ઉમેદવારોની જાહેરાત કરી છે તો શિવસેનાએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

દરમિયાન શિવસેનાએ પણ 124 બેઠકો પર પોતાનો દાવો કર્યો છે અને 70 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે પહેલી યાદી બહાર પાડી છે, પરંતુ બાકીની બેઠકો માટે જોડાણ ફોર્મ્યુલા શું છે તે અંગે હજી સસ્પેન્સ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો છે.

દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં પહેલી યાદી જાહેર કરતાં પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે કહ્યું કે, ભાજપ, શિવસેના અને ચાર સહયોગી આરએસપી, આરપીઆઈ (આઠવલે), શિવ સંગ્રામ અને રાયત ક્રાંતિ પાર્ટી સંયુક્ત રીતે લડશે. મહારાષ્ટ્રમાં ગઠબંધન બેતૃતિયાંશ બહુમતિ સાથે ફરી વાર સરકાર રચશે.

ભાજપે 125 વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં 12 વિધાનસભાના ઉમેદવારો બદલાયા છે. સિટીંગ 52 ધારાસભ્યોને ટિકિટ આપી છે. તેમાં 12 મહિલાઓનો સમાવેશ થાય છે. 21 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા માટે મતદાન કરવામાં આવશે. 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટિલ કોથરૂટ વિધાનસભામાંથી ચૂંટણી લડશે.

આ ઉપરાંત ભાજપે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્રસિંહ ભોંસલેને સતારા વિધાનસભામાંથી ચૂંટણીની ટીકીટ આપી છે. લોકમાન્ય તિલકના પરિવારમાંથી આવતા મુક્તા તિલક કસ્બા પેઠ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર હશે. તે જ સમયે, પંકજા મુંડેને ફરી એક વાર પારલી વિધાનસભામાંથી ટિકિટ આપવામાં આવી છે.

પંઢરપુર વિઠ્ઠલ મંદિર દેવસ્થાનના પ્રમુખ અતુલ ભોંસલે કરાડ-દક્ષિણથી ચૂંટણી લડશે. આ સાથે શિવજીના વંશજ ઉદયન રાજે ભોંસલેને સતારા લોકસભાની પેટા-ચૂંટણીમાં ટીકિટ આપવામાં આવી છે. ઉદયન રાજે ભોંસલે આ પહેલાં એનસીપીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલને શિરડીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમ આ વખતે સતારામાં શિવાજીના બે વંશજો વિધાનસભા અને લોકસભા એમ બન્ને રીતે ભાજપની ટીકીટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે શિવાજીના વંશજોને ટીકીટ આપી રાજકીય રીતે મોટો દાવ રમ્યો છે.