ગુજરાતમાં લીલો દુકાળ : 15થી 17 ટકા પાકને નુક્સાન, સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળના પાકની

ગુજરાતમાં હાલમાં લીલો દુકાળ શરૂ થયો છે. ખરીફ સિઝનમાં 85.87 લાખ હેક્ટરમાં થયેલા વાવેતર વચ્ચે સરકારે કૃષિ વિભાગના પ્રથમ અંદાજમાં ખેત ઉત્પાદનના આંક ઊંચા મૂકાયા છે પણ અણધાર્યા, એકાએક અને સતત વરસેલા વરસાદે ખરીફ સિઝનની હાલત ખરાબ કરી દીધી છે. રાજ્યમાં સરેરાશ 15થી 17 ટકા નુક્સાનીના અહેવાલો છે.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત અને અમરેલી જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદ બાબતે લીલા દુષ્કાળ પડવાની શક્યતાઓને નકારી કાઢી છે. વરસાદે રવી સિઝન માટે ઉજ્જવળ તક ઉભી કરવાની સાથે રાજ્યમાં બે વર્ષ સુધી પાણી ન ખૂટે તેવી સ્થિતિ ઉભી કરી છે પણ ખરીફ ખેતીનો દાટ વળ્યો છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વરસેલા વરસાદને પગલે 13 જિલ્લામાં 2.84 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો હોવાના સરકારી આંક હતા પણ સપ્ટેમ્બરમાં વરસાદે ખરીફ ખેતીની હાલત વધુ ખરાબ કરી દીધી છે.

રાજ્યમાં લીલા દુકાળ જેવી સ્થિતિ વચ્ચે સરકાર ભલે ન સ્વીકારે પણ સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળ પાકની છે. ગુજરાતમાં ટૂંકાગાળાના વાવેતર થતા પાક કાપણીના સ્ટેજ પર હોવાથી આ પાકોમાં 15થી 17 ટકાની નુક્સાનીના અહેવાલ છે. જેમાં મગ અને તલના પાકનો સમાવેશ થાય છે.

સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે, જેને પગલે ઊભો પાક બળી જવાની ભીતિ જોવા મળી રહી છે. ત્યારે હવે ખેડૂતો માગ કરી રહ્યાં છે કે તાકીદે સરકારે આ અંગે સરવૈ કરાવી, ખેડૂતોને તેમના હકની વીમાની રકમ મળવી જોઈએ. તેમજ સરકાર દ્વારા યોગ્ય સહાયની પણ જાહેરાત કરવી જોઈએ.કપાસમાં ખેડૂતોએ આ વર્ષે આગોતરી વાવણી કરી છે. જેમાં ખેડૂતો ભરાઈ ગયા છે.

જૂનમાં કપાસની વાવણી 14.35 લાખ હેક્ટરમાં પહોંચી હતી. જેમાં 50થી 60 ટકા કપાસમાં જિંડવા ફાટી ચૂક્યા છે ત્યાં રૂની ગુણવત્તા બગાડવાની સાથે ફૂલ ચાંપવા ગરી જતાં કપાસની સિઝન 20 દિવસ લેટ જશે. રાજ્યમાં સતત ભેજવાળા વાતાવરણને પગલે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્વવ વધવાની સાથે કપાસના ઉત્પાદનને સીધી અસર પહોંચાડશે. તડકો ન પડતાં કપાસમાં ફલિનીકરણ ન થતાં બીજી વીણીને પણ અસર થશે.મગફળીમાં સરકારી તંત્ર નુક્સાનીના અહેવાલોને ફગાવી રહ્યું છે પણ આ વર્ષે જૂન સુધીમાં 9.90 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ હતી.

હાલમાં ઉભડી મગફળીએ પાકવાની અવસ્થાએ છે. સરકારે આ મગફળી ન ઉપાડવા આપેલી સલાહ છતાં સતત વરસાદને પગલે આ મગફળીના દાણામાં ઉગાવો થવાની સંભાવના કૃષિ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યમાં એકથી દોઢ લાખ હેક્ટરમાં આ ઉભડી મગફળીના પાકને અસર પહોંચી છે. અર્ધવેલડી અને વેલડીના પાકની પણ ગુણવત્તા બગડી હોવાની સંભાવનાને નકારી શકાતી નથી. આગોતરી અને ઓળાની મગફળી પરિપક્વ અવસ્થાએ હશે તે તમામ પાકને નુક્સાની પહોંચવાની પૂરી શક્યતા છે.રાજ્યમાં સૌથી વધારે અસર ખરીફ કઠોળ પાકને થઈ છે.

મગ અને અડદ હાલમાં કાપણીના સ્ટેજે હોવાથી વરસી રહેલા વરસાદે આ પાકમાં ૨૫ ટકાનું નુક્સાન પહોંચાડ્યું છે. રાજ્યમાં સરકારે આ પાકોના ઉત્પાદનના આંક 60 હજાર ટન અને 50 હજાર ટન મૂક્યા હતા. જેમાં મોટો ઘટાડો આવશે. તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી 1.16 લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં 30થી 40 ટકા નુકસાનીનો અંદાજ છે. કેળ, પપૈયા, લીંબુ સહિતના પાકોને અસર પહોંચી છે. બાજરીની ખરીફ સિઝનમાં 1.73 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક ઉગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે.

રાજ્યમાં બાજરીના પાકમાં 10થી 15 ટકા નુક્સાની થઈ શકે છે. શાકભાજી પાકોમાં આ વરસાદે ભારે અસર કરી છે. ટામેટાં અને ડુંગળીની ઊંચા ભાવો એ લીલા દુકાળને જ આભારી છે.વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, મહિસાગર, નવસારી, તાપી, સુરત, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદના કારણે પાકને મોટાપાયે નુક્સાનીના અહેવાલો છે.