ગણેશ ઉત્સવની શરૂઆત કરનારા લોક માન્ય તિલકની ત્રીજી પેઢીની વહુને ભાજપે આપી ટીકીટ, જાણો શું છે નામ?

રાજકારણે હવે કરવટ બદલી છે. ખાસ કરીને રાજવી પરિવારો અને સ્વાતંત્ર્યવીરોના વંશજોમાંથી રાજનીતિમાં આવવાનો નવો ક્રેઝ ઉભો થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપે એક તરફ છત્રપતિ શિવાજીના વંશજોને ટીકીટ આપી છે તો બીજી તરફ સ્વાતંત્રતાના સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનારા બાલ ગંગાધર તિલક( લોકમાન્ય તિલક)ના પરિવારમાંથી પણ ટીકીટ આપી છે.

2017માં પૂણેના મેયર તરીકે રહેલા અને સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની ત્રીજી પેઢીની વહુ મૂક્તા તિલકને ભાજપે પૂણેની કસ્બા પેઠ વિધાનસભામાંથી ટીકીટ ફાળવી છે.

લોકમાન્ય તિલકે 1893માં સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી. આજે દરેક જગ્યાએ ગણેશ ઉત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. પૂણે મહાનગરપાલિકામાં ભાજપે 2017માં પહેલી વાર વિજય હાંસલ કર્યો હતો અને મૂક્તા તિલકને મેયર બનાવ્યા હતા. મૂક્તા તિલક લોકમાન્ય તિલકના પડ઼પૌત્ર શૈલેષ તિલકના પત્ની છે.

મૂક્તા તિલકે પૂણેની ફર્ગ્યુશન કોલેજમાંથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન હાંસલ કર્યું છે. આઈએમડીઆર પૂણેથી એમબીએ કર્યું છે. જર્મન, મરાઠી, હિન્દી અને અંગ્રેજી પર સારી એવી પકડ છે. કસ્બા પેઢમાંથી જ તેઓ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જીત્યા હતા અને ત્યાંથી જ વિધાનસભાની ટીકીટ મળી છે. તેઓ ચાર વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. મહત્વની વાત એ છે મૂક્તા તિલકના સસુર જયંત તિલક કોંગ્રેસના સાંસદ હતા.