શેર બજાર માટે મંગળ બન્યું અમંગળ, 900 પોઈન્ટનો કડાકો, બેન્કીંગ શેર ગબડ્યા

મંગળવરે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું પરંતુ બેન્કીંગ શેરમાં જંગી વેચવાલીના કારણે બપોરે બે વાગ્યા પછી બજાર તૂટી પડ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેંજનો બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 2 ટકા નીચે ગયો હતો. બપોરે 2.14 વાગ્યે સેન્સેક્સે 38,000નું લેવલ તોડ્યું હતું અને 900થી વધુ પોઇન્ટ ઘટીને 37,990 પોઇન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી લગભગ 120 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતા જોવાયા હતા. બેન્કિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

યસ બેન્કના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. એનએસઈ પર બેન્કનો શેર 23 ટકા તૂટ્યો હતો. બેંકના પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચ્યા બાદ શેરમાં સતત વેચવાલી રહી. આ સિવાય ઈન્ડસીન્ડ બેંક, એસબીઆઇ વગેરેમાં પણ ઘટાડો નોંધાયો હતો.

દેવાના સંકટની અફવાઓ અને ઓટો ક્ષેત્રમાં નબળા વેચાણના કારણે બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્રને સોમવારે મોટો આંચકો મળ્યો હતો. ઓગસ્ટમાં કોર સેક્ટરના ગ્રોથ રેટમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે. કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સિમેન્ટ અને પાવર સેક્ટરમાં વૃદ્ધિ નકારાત્મક રહી હતી. ખાતર અને સ્ટીલ ઉદ્યોગમાં ઓગસ્ટમાં અનુક્રમે 2.9% અને 5% નો વધારો થયો છે.

મંગળવારે શેરબજારમાં વધારા સાથે શરૂઆત થઈ હતી. મુંબઈ સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 146.15 પોઇન્ટ ખુલીને 38,813.48 ના લેવલે અને એનએસઈ નિફ્ટી 40.95 પોઇન્ટ વધીને 11,515.40 પર ટ્રેડ કરી રહ્યું હતું. જોકે, બજારમાં વેચાણ શરૂ થયું હતું અને બજારમાંથી તેજીનો ઝબકારો ગાયબ થઈ ગયો હતો.