વાલીયાના ઝોકલા ગામે તરખાટ: ઘર પર પથ્થરમારો, તોડફોડ કરી સાત ઈસમોએ ચલાવી લૂંટ

વાલીયા તાલુકાના ઝોકલા ગામે ઘર ઉપર પથ્થરમારો કરીને 30 હજારની લુંટ ચલાવી સાત ઇસમો ફરાર થઇ જતાં પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

વાલીયા તાલુકાના ઝોકલા ગામે રહેતા અજયભાઇ મંગળભાઇ વસાવા (ઉ.26) ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે,જેમાં ગતરોજ ચાર વાગ્યાની આસપાસ અજયભાઇ વસાવા પોતાની પત્ની સાથે ઘરની બહાર ઉભા હતા,જે દરમ્યાન ઝોકલા ગામના અતુલભાઇ કમલેશભાઇ વસાવા ત્રણ સવારી બેસાડી મોટરસાઈકલ લઇને ઘરની અંદર નજર મારતા પસાર થતાં હતા,જેથી અજયભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,મારા ઘરમાં શું જુએ છે ?,તેની રીસ રાખી અતુલભાઇ કમલેશભાઇ વસાવા,કમલેશભાઇ ભયલાલભાઇ વસાવા,સુરેશભાઇ રામુભાઇ વસાવા,અજયભાઇ શુકલભાઇ વસાવા સહિત જીતેન્દ્ર ઉર્ફે બોડો પરસોત્તમભાઇ વસાવા તમામ રહે. ઝોકલા તથા વાસુ અને સંદીપ નામના ઇસમો ત્રણ જેટલી મોટરસાઈકલ ઉપર લાકડીના સપાટા લઇને આવી,અભદ્ર ભાષામાં ગાળો બોલીને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો.

આ તમામ ઈસમોએ લાકડીના સપાટા વડે દંપતીને ઢીકાપાટુનો માર મારીને ઘરની તિજોરીમાંથી ચાંદીનુ મંગળસુત્ર વજન આશરે 50 ગ્રામ, કિંમત: 2000,સોનાની બુટ્ટી વજન આશરે ત્રણ ગ્રામ કીં.8000,અને ચાંદીના સાંકળા વજન આશરે 300 ગ્રામ  કીં.12000 અને રોકડા રૂ.8000 હતા તે મળી કુલ.રૂ.30,000ની લુંટ કરી હતી.

ઘરના આગળ તથા પાછળના દરવાજા તોડી નાખી અને ઉપરના પતરા તથા નળીયા તોડી નાખી આશરે રૂ.5000નુ નુકશાન કરી મા-બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી,જ્યારે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ભેગા થઇ જતા સાતેય ઇસમો ફરાર થઇ ગયા હતા,જ્યારે ઘટનાનો ભોગ બનનાર અજયભાઇ મંગળભાઇ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં નેત્રંગ પોલીસેે ઘટનાની ગંભીરતા જાણી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.