તનાવની વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી થશે, 24મી ઓક્ટોબરે થશે મતદાન

ચૂંટણી પંચની જમ્મુ કશ્મીર શાખાએ રવિવારે કરેલી જાહેરાત મુજબ આવતા મહિનાની 24મીએ જમ્મુ કશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી થશે. આ જાહેરાતથી ઘણા લોકોને નવાઇ લાગી હતી કારણ કે હજુ સેંકડો લોકો કારાવાસમાં છે જેમાં રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

જમ્મુ કશ્મીરના ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે કહ્યું કે જે દિવસે ચૂંટણી થશે એજ દિવસે પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે. હાલ રાજ્યની રણવીર પીનલ કૉડ હેઠળ સેંકડો લોકો જેલમાં છે.

બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા પણ જેલમાં છે. વિભાજનવાદી ગણાતા પરિબળો અને તેમના ટેકેદારો પણ જેલમાં છે. રાજ્યમાં હજુ કેટલાક પ્રતિબંધો પણ અમલમાં છે. પરંતુ બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો હતો.

ચૂંટણી પંચ અને જે તે ગામના સરપંચ મળીને જિલ્લા વિકાસ બોર્ડના ચેરમેનને ચૂંટશે. ત્યારબાદ જિલ્લા વિકાસ બોર્ડ રચવામાં આવશે. અગાઉ પસંદ કરવામા આવેલા ચેરમેન જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષની જવાબદારી અદા કરશે. જે તે જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ જિલ્લા વિકાસ બોર્ડના ચેરમેન તરીકે કામ નહીં કરે.

પંચાયત રાજ ધારો ૧૯૮૯ અને ૧૯૯૬ અન્વયે આ જિલ્લા વિકાસ બોર્ડ પોતપોતાના જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની કામગીરી બજાવશે.

ચૂંટણી પંચે જણાવ્યા મુજબ રાજ્યના કુલ ૩૧૦ બ્લોકમાં ચૂંટણી થશે, એમાં ૧૭૨ બેઠકો બીસી, ઓબીસી માટે રિઝર્વ છે. શૈલેન્દ્ર કુમારે વધુમાં આપેલી માહિતી મુજબ કુલ ૨૬,૬૨૯ ઉમેદવારો છે જેમાં ૮,૩૧૩ મહિલા ઉમેદવારો છે.