વિસાવદરના MLA હર્ષદ રીબડીયાની ચેલેન્જ, કહ્યું “મંત્રીઓ અમારી વાડીએ એકલા વાહુપુ-પાણી વાળવા આવે, ચાર લાખ આપીશ”

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ટવિટર પર વીડિયો અપલોડ કરી ગુજરાત સરકારના મંત્રીઓને ખૂલ્લી ચેલેન્જ આપી છે. વીડિયોમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળે છે. તેઓ ઉગ્ર થઈને વન વિભાગના અધિકારીઓને આડે હાથે લેતા દેખાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખાસ્સો વાયરલ થયો છે.

ટવિટર અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ફોરેસ્ટ અધિકારી મારફત સરકારમાં બેઠેલા મંત્રીઓને ખુલી ચેલેન્જ આપી છે. લખાયું છે કે એકવાર રાત્રે અમારા ખેડૂતની વાડીએ એકલા વાહુપુ તથા પાણી વાળવા આવો હું તમને ચાર લાખ આપીશ.

તેમનું આવું કહેવા પાછળનું કારણ એવું છે કે જૂનાગઢના વિસાવદરમાં પાછલા કેટલાક દિવસોથી દિપડાઓ ખેતરોમાં ઘૂસી જાય છે. ખેડુતોને ફાડીને મારી ખાય છે અથવા ઈજા પહોંચાડે છે. હર્ષદ રીબડીયા કહે છે કે ખેડુતોને દિપડા ફાડી ખાય છે. સરકારે સ્વીકાર્યું છે કે દિપડા સરકારના છે અને સરકાર માર્યા ગયેલા ખેડુતોના પરિવારોને ચાર લાખની સહાય આપે છે, તો મારી સરકારમાં બેઠેલા મંત્રીઓને ખૂલ્લી ચેલેન્જ છે કે એક વાર રાત્રે ખેતરમાં આવીને રોકાય, મંત્રીઓ રોકાશે તો હું તેમને ચાર લાખ આપીશ.