કાલથી આ નિયમો બદલાઈ જશે: ડ્રાઇવિંગ લાયસન્સ, SBIમાંથી કેશ વિથડ્રો, પેટ્રોલ-ડીઝલમાં કેશ બેક, GST-કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવા મહિનાના પહેલા જ દિવસથી દેશભરમાં કેટલાક નવા નિયમો અમલમાં આવી જશે. જેની સીધી અસર સામાન્ય લોકોને થશે. બેંકિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી, પ્લાસ્ટિકના ઉપયોગને લઈ સરકાર પહેલી ઓક્ટોબરથી કેટલાક નવા નિયમ લાગૂ કરવા જઈ રહી છે.

 

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગૂ થશે નવા નિયમ, પેટ્રોલ-ડીઝલ પર કેશ બેક નહીં

પહેલી ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર થશે. નવા નિયમો મુજબ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવાનું રહેશે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહશે. જ્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ કાયદાકીય રીતે જરૂરી બની જશે. નવા નિયમો હેઠળ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે.

કેશ નીકાળવા માટે સ્ટેટ બેન્ક લાગૂ કરશે નવા નિયમ

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક પહેલી ઓક્ટોબરથી નવો નિયમ લાગૂ કરવા જઈ રહી છે. જેની અસર દેશભરમાં લગભગ 32 કરોડ ગ્રાહકોને થશે. આ નવા નિયમ મુજબ બેંક દ્વારા નિર્ધારિત મંથલી એવરેજ બેલેન્સને મેન્ટેન ન કરવા પર દંડમાં 80 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. મેટ્રો સિટીના બેંક ખાતાધારકો માટે મંથલી એવરેજ બેલેન્સ ઘટીને ત્રણ હજાર થઈ જશે. ઉપરાંત બેંક 10 ફ્રી ટ્રાન્ઝેક્શન પણ આપી શકે છે.

પેટ્રોલ-ડીઝલની ખરીદ પર નહીં મળે કેશબેક

પહેલી ઓક્ટોબર બાદ જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદ કરો છો તો ચુકવણી પર મળતું 0.75 ટકા કેશબેક હવે ગ્રાહકોને નહીં મળે. બેંકે મેસેજ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક સ્કીમને પરત લેવાના નિર્દેશ આપ્યા છે.

કેટલીક વસ્તુઓ પર જીએસટી થશે ઓછું?

પહેલી ઓક્ટોબરથી કેટલીક વસ્તુઓ પર જીએસટીની દરોમાં ઘટાડો થશે. હવે 100 રૂપિયા સુધી ભાડા પર ટેક્સ નહીં આપવો પડે. ઉપરાંત 7,500 રૂપિયા સુધી ટેરિફવાળા રૂમ માટે ભાડા પર હવે માત્ર 12 ટકા જીએસટી આપવા આપવો પડશે. ઉપરાંત કાઉન્સિલે 10થી 13 સીટો સુધી પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસને ઘટાડ્યો છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેથી પહેલી ઓક્ટોબરથી કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટીને 22 ટકા થઈ જશે. આ સિવાય સરકારી કર્મચારીઓના પેન્શન પોલિસીમાં પણ ફેરફાર પહેલી ઓક્ટોબરથી થશે. ઉપરાંત ૨ ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લાગી જશે.