શું હાર્દિક પટેલ રાધનપુરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્વ પ્રચાર કરશે? તો હાર્દિકે આપ્યો આવો બેધડક જવાબ, જાણો શું કહ્યું?

ગુજરાતની પેટાચૂંટણી જાહેર થયા બાદ રાધનપુર સીટને લઈ ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને પહેલી વાર ભાજપ સામે પડકારની સ્થિતિ જોવા મળી હતી.એ સમયે લોકોનો આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તેમની અસરને લઈને ચર્ચામાં રહ્યા હતા. પણ સમયાંતરે આ ત્રિપુટી ખંડિત થઈ ગઈ છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સીધી રીતે વિરોધી પક્ષોમાં આમને સામને આવી ગયા છે.

રાધનપુરથી કૉંગ્રેસ પક્ષમાંથી જીતેલા અલ્પેશ ઠાકોર હવે આ જ સીટ પરથી કમળના નિશાન પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. બન્ને વચ્ચે મિત્રતા અકબંધ હતી પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ બન્ને વચ્ચેની મિત્રતા પણ સમાપ્ત થઈ હોવાનું લાગે છે.

ભાજપે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરને ટીકીટ ફાળવી દીધી છે, ત્યારે એક સમયના સાથી અને ભાજપ સામે આક્રમક્તાથી પ્રચાર કરનારા અલ્પેશ ઠાકોરને લઈ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે કેટલીક વાતો કરી છે અને અલ્પેશ વિરુદ્વ પ્રચાર કરવા માટે મહત્વની વાત કરી છે.

હાર્દિક પટેલે કહ્યું, હજી સુધી પાર્ટી તરફથી કોઈ પ્લાન આવ્યો નથી, પરંતુ જો રાધનપુરમાં જઈને અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ ચૂંટણી માટે કામ કરવાનું આવશે તો હું બિલકુલ કરીશ. તેમણે અગાઉ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસ માટે દેશભરમાં ઘણી જગ્યાએ પ્રચાર કર્યો હતો.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું છે,ભલે આ પેટાચૂંટણી હોય પણ લોકોના સવાલો તો એ જ છે કે તેમની રોજગારી ક્યાં છે, તેમને કેમ હજી સુધી માત્ર વાયદાઓ જ મળે છે.તેમણે કહ્યું કે આ પેટાચૂંટણીમાં પણ તેઓ ભાજપને બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સવાલો કરશે.તેઓ વધુમાં કહે છે, ભાજપના નેતાઓ કૉંગ્રેસ પાસેથી જવાબ માગે છે, પણ અહીંયાં ગુજરાતમાં જ તો છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. તો હવે ગુજરાતના પ્રશ્નો માટે તો ભાજપને જવાબ આપવો જ પડશે.