લો, બોલો, ખાટલે મોટી ખોડ: પોલીસ વાનો અને એસટી બસોમાં સીટ બેલ્ટ જ ન હતા, પછી કર્યું આવું કામ

પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરાયેલાનવા ટ્રાફિકના નિયમો ટુ વ્હીલરથી માંડી મોટા ટ્રક અને એસટી તેમજ ખાનગી બસ માટે પણ લાગુ પડે છે. નવાઈની વાત છે કે એક માત્ર રાજકોટ ડિવિઝનની જૂની અને ખખડી ગયેલી 150 જેટલી એસટી બસમાં અત્યાર સુધી સીટ બેલ્ટ જ ન હતા.

ટ્રાફિકના નવા નિયમ પછી તંત્રે દંડના ભય હેઠળ 200 જેટલા નવા સીટ બેલ્ટ મંગાવ્યા છે. બસ ઉપરાંત પોલીસ વાનો પણ સીટ બેલ્ટ જોવા મળી રહ્યા નથી. બસો ઉપરાંત પોલીસ વાનોમાં પણ સીટ બેલ્ટ જોવા ન મળતા પોલીસ વિભાગ પણ દોડતો થઈ જવા પામ્યો છે.

રાજકોટ એસટી ડિવિઝન હેઠળ 500 જેટલી બસો આવે છે. જેમાંથી 350 જેટલી એસટી બસમાં સીટ બેલ્ટ હતા. જો કે મોટાભાગના ડ્રાઈવર સીટ બેલ્ટ હોવા છતા પહેરતા ન હતા એ અલગ વાત છે. દરમિયાન ટ્રાફિકના નવા નિયમોની અમલવારી અર્થે બાકીની 150 જેટલી એસટી બસમાં સીટ બેલ્ટ તાબડતોબ મંગાવવામાં આવ્યા હતા.

રસ્તા પર સતત દોડતી રહેતી પોલીસ વાનો પણ સીટ બેલ્ટ જોવા મળતા નથી. ખાસ કરીને જે મોબાઈલ વાન સતત પેટ્રોલીંગમાં હોય છે તેમાં સીટ બેલ્ટનો અભાવ જોવા મળે છે. પોલીસ વિભાગ પણ હવે આવી ગાડીઓમાં સીટ બેલ્ટ ફીટ કરવામાં લાગી ગયો છે.