અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર ગમખ્વાર અક્સ્માત, બસ ખીણમાં ખાબકી, 21ના મોતની આશંકા

અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર આજે સાંજે ચાર વાગ્યે ભયાનક અને ગમખ્વાર એક્સિડન્ટ થયું છે. પ્રાઈવેટ બસ ખીણમાં ખાબકતા 21 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચાર કરતાં પણ વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોજુદ છે.

માહિતી પ્રમાણે અંબાજી-દાંતા હાઈવે સ્થિત ત્રિશુલીયા ઘાટ પાસે ટર્ન લેતા સમયે બસ ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં અંદાજે 30થી વધુ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. અચાનક થયેલી ઘટનમાં કેટલાય લોકો બસની નીચે ચગદાઈ ગયા હતા. અકસ્માતના કારણે હાઈવે પર મુસાફરોની ચીસો જ સંભળાતી રહી હતી. વરસાદના કારણે અકસ્માતમાં રસ્તા પર વેરવિખેર થયેલા મૃતદેહોના કારણે રોડ લોહીલૂહાણ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. સાથે જ અલગ અલગ ચાર એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પહેલાં પણ આ જ વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તેમા આઠ લોકો માર્યા ગયા હતા. સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાઈ જવા પામ્યો છે.