દિવાળી સુધી વરસાદ પડશે? શું કહે છે હવામાનના વર્તારા?

ગુજરાત પર મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતા નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ તમામ વાતો વચ્ચે જો કોઇને સૌથી વધુ ફર્ક પડતો હોય તો તે ધરતીપુત્રો અને ખેલૈયાઓને પડી રહ્યો છે.જ્યોતિષ શાસ્ત્રીઓ દ્બારા આ વર્ષે ગુજરાતમાં દિવાળી સુધી વરસાદ પડે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કારણ કે, વરતારો જોતા આ વર્ષે વરસાદનાં નક્ષત્રોનો ૭ જૂનથી આરંભ થયો હતો અને તેની પુર્ણાહુતી ૭ નવેમ્બરના રોજ થવાની છે. પૂર્વ ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનું વાહન ગદર્ભ હોવાના કારણે આ બંને નક્ષત્રના સમયમાં છૂટો છવાયો વરસાદ પડવાના યોગ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યભરમાં ૪ ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વરસાદે નવરાત્રી તો ઠીક પણ હવે દિવાળી સુધી વરસાદની આગાહી કરતા લોકો ભારે ચિંતામાં પેઠા છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નવલી નવરાત્રીમાં ખેલૈયાઓની મઝા બગાડી છે. આજે તો અમદાવાદની બે જાણીતા ક્લબ સહિત વડોદરા અને રાજકોટના અનેક જગ્યાએ ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે.યુવાધનનું હૈયું હાલ ગરબા રમવા માટે થનગની રહ્યું છે. છોકરીઓ નીત નવી ચણિયાચોળી ખરીદીને તૈયાર બેઠી છે. તો છોકરાઓ પણ ગરબામાં રોલો પાડી દેવા માટે અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજા પણ નવરાત્રીમાં તમારો સાથે આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે તો અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે તેવી પણ આગાહી છે. પહેલી ઓક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. તો ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીને લઈ ગરબા આયોજકોમાં ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે. તો સૌથી વધુ કફોડી હાલત જગતનાં તાતની છે. લીલા દુષ્કાળને કારણે તેઓના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.