ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના અમલને લઈ ટૂંક સમયમાં થઈ શકે છે વધુ એક રાહતની જાહેરાત, જાણો શું

ગુજરાત સરકારે કેન્દ્રના નવા ટ્રાફિકના કાયદાનો દંડમાં રાહત સાથે 16મી સપ્ટેમ્બરથી અમલવારી કર્યા બાદ લોકો રોષ ભભુકી ઉઠતા હેલ્મેટ અને પીયૂસીના અમલમાં એક મહિનાની મુકિત આપી છે. આ મૂક્તિની મુદ્દતા પંદરમી ઓકટોબરે પુરી થઈ રહી છે. હજુ હેલ્મેટ અને પીયૂસીની બાબતમાં સરકાર કક્ષાએ સંતોષકારક વ્યવસ્થા ગોઠવાઈ શકી નથી. ફરી જનઆક્રોશ ન ભભુકે તે માટે દિવાળીના તહેવારોમાં આ મૂક્તિની મુદ્દત લંબાવવા ગંભીરતાથી વિચારણા થઈ રહ્યાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પંદરમી ઓકટોબર પછી હેલ્મેટ અને પીયૂસીમાં છુટછાટ લંબાવાશે તો દિવાળી હેલ્મેટ વિના જ ઉજવી શકાવાની સ્થિતિ બની શકે છે. 27 ઓકટોબરે દિવાળી છે. તે પૂર્વે 21 ઓકટોબરે ખેરાલુ, રાધનપુર, બાયડ, લુણાવાડા, અમરાઈવાડી વગેરે વિસ્તારોમાં વિધાનસભાની પેટાચૂંટણી છે. મુદ્દત લંબાવવા માટે પેટાચૂંટણી સબળ રાજકીય કારણ બની શકે છે.

નવા કાયદાના અમલ પછી કોઈ વાહન ચાલક લાયસન્સ, વાહનનો વિમો, પીયૂસી, આર.સી. બુક વિગેરે દસ્તાવેજ વગર વાહન ચલાવતા પકડાઈ તો સ્થળ પર પ્રથમ વખત 500 અને બીજી વખતથી 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ માટે તેમજ કાચ પર કાળી ફિલ્મ લગાવવાના અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના ગુનામાં પણ રાજ્ય સરકારે ઉપર મુજબના દંડની જોગવાઈ રાખી છે.

હેલ્મેટ ન પહેર્યું હોય તો 500નો દંડ દર વખતે થવા પાત્ર થશે. સીટ બેલ્ટ ન પહેરવાના કિસ્સામાં પણ 500ના દંડની જોગવાઈ છે. આ બધા દર રાજ્ય સરકારે રાહત જાહેર કર્યા મુજબના છે. હવે પછી નવુ ટુ વ્હીલર ખરીદે તેને વિતરક તરફથી માન્ય પ્રકારની હેલ્મેટ વિનામૂલ્યે આપવાની સરકારે સૂચના આપી છે. 16મી સપ્ટેમ્બરે નવો કાયદો અમલમાં આવ્યા બાદ હેલ્મેટ ખરીદવા પડાપડી થઈ હતી. ઠેરઠેર હેલ્મેટ વેચાતા થઈ ગયા હતા. પીયુસી કઢાવવા લાઈનો લાગી ગઈ હતી.. લોકોમાં અફરાતફરી મચેલી જોઈ રાજ્ય સરકારે ત્રણ જ દિવસમાં હેલ્મેટ અને પીયૂસી બાબતનો અમલ પંદરમી ઓકટોબર સુધી મોકુફ રાખવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

સરકારે નવા 900 પીયૂસી કેન્દ્રો ખોલવાનું જાહેર કર્યા હતા પણ તે હજુ શરૂ થઈ શકયા નથી. સરકાર કક્ષાએ સંતોષકારક વ્યવસ્થા ગોઠવાયેલી ન હોવાથી જો16 ઓકટોબરથી નવા કાયદાનો અમલ કરવામાં આવે તો ફરીથી તહેવારો ટાણે જ લોકોનો આક્રોશ સામે આવે તેવી સંભાવનાને ધ્યાને રાખીને સરકાર કક્ષાએ પંદરમી ઓકટોબર પછી પણ મુદ્દત લંબાવવા વિચારણા કરી રહી હોવાનું આધારભૂત વર્તુળો જણાવ્યું છે. જો મુદ્દત લંબાવવાની હશે તો પંદરમી ઓકટોબરની નજીકના અરસામાં જ તેની જાહેરાત કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. સરકાર હાલની સંભવિત વિચારણા મુજબ હેલ્મેટ અને પીયૂસીની મુદત લંબાવે છે કે 16મી ઓકટોબરથી અમલ શરૂ કરે છે? એ અંગે હાલ કશું પણ કહેવું ઉતાવળીયું ગણાશે. સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે ત્યાં સુધી રાહ જોવાની રહે છે.