સાવધાન : અમદાવાદમાં છે ટ્રાફિક ડ્રાઈવ, રોંગ સાઈડ ગાડી ચલાવી તો થશે આટલો મોટો દંડ

અમદાવાદમાં જો રોંગસાઈડમાં વાહન ચલાવ્યું તો વાહનચાલકની હવે ખૈર નથી, કારણ કે અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરુ કરવામાં આવી છે અને રોંગ સાઈડમાં વાહન ચલાવતાં ટુ વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા અને ફોર વ્હીલર ચાલક પાસેથી ત્રણ હજારનો દંડ વસૂલવામાં આવશે અને જો વાહન ચાલક દંડ ભરવાનો ઈન્કાર કરશે તો ડ્રાઈવિંગ લાયન્સ રદ કરવાની પણ કાર્યવાહી થશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમને અમલમાં લાવવાનું આયોજન ચાલી રહ્યું છે અને આગામી પંદર ઑક્ટોબરથી નવા નિયમ અમલમાં આવી જવાના છે તે પહેલાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ઉપરાંત પી.યુ.સી અને વ્હીકલ વીમો તેમજ આર.સી બુક સહિતના તમામ દસ્તાવેજી કામ માટે હાલ વાહનચાલકોને સમય આપવામાં આવ્યો છે, પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અંતર્ગત અમદાવાદમા મોટા ભાગે અકસ્માતની ઘટનાઓ રોંગસાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને કારણે થતી હોય છે જેને ધ્યાને રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા.

અમદાવાદના આર.ટી.ઓ સર્કલ પર રોંગસાઈડમાં આરટીઓ કચેરીમાં જઈ રહેલા વાહનચાલકોને રોકી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં આર.ટીઓના એક કર્મચારીના પતિ જ રોંગ સાઈડમાં વાહન ચલાવતા પોલીસના હાથે ઝડપાયા હતા.

ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદના આર.ટી.ઓ સર્કલ, કલેક્ટર કચેરી સર્કલ, નવા વાડજ સર્કલ, અખબારનગર સર્કલ, ચાંદલોડિયાથી ઉમિયા હોલ જવાના રસ્તે, ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક જવાના રસ્તે તેમજ બોપલ, શિવરંજની, પાંજરાપોળ, પંચવટી સર્કલ સહિત અલગ અલગ વિસ્તાર એવા 128 જેટલા વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો.રોંગ સાઈડમાં વાહન ચલાવતા ટુ વ્હીલર ચાલક પાસેથી 1500 અને ફોર વ્હીલર વાહનચાલક પાસેથી 3000 જેટલો દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા આ ડ્રાઇવ 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી યોજાશે.

મહત્વનું છે કે નિયમ મુજબ જો વાહનચાલક સ્થળ પર દંડ નહીં ભરી શકે તો તેની સામે ગુનો નોંધી તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં જો રોંગસાઈડમાં વાહન ચલાવતાં સમયે પોલીસને જોઈને વાહનચાલક પાછો વળી ભાગતો નજરે પડશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાનું ટ્રાફિક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.