જમ્મૂ-કાશ્મીરના રામવનમાં ત્રણ આતંકી ઠાર, જવાન શહીદ, તમામ બંધકોને સલામત છોડાવાયા

જમ્મૂ-કાશ્મીરના રામવનના બટોટે વિસ્તારમાં ચાલેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાનો એક જવાન શહીદ થયો છે. જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓ દ્વારા બંધક બનાવેલા તમામ નાગરિકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. ઓપરેશન પૂર્ણ થયું છે. અથડામણમાં સેના અન્ય બે જવાનને ઈજા પહોંચી છે.

જમ્મૂ-કાશ્મીરમાં શનિવારે સવારે અલગ-અલગ ત્રણ જગ્યાએ હુમલાની જાણ થઈ હતી. બે જગ્યાઓ પર આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જ્યારે એક જગ્યાએ આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.

અથડામણ દરમિયાન આતંકીઓ પાસેના ધરમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી ફાયરીંગ કર્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર આતંકી શ્રીનગર-જમ્મૂ હાઈવે પર બસને હાઈજેક કરવા માંગતા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓએ ઘરના લોકોને બંધક બનાવી લીધા હતા અને ત્યાંથી ગોળીબાર કર્યો હતો. ફાયરીંગ બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. અનેક ક્લાક સુધી ચાલેલા ઓપરેશનમાં સુરક્ષાદળોને આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી.