બિગ બોસ-13 હોસ્ટ કરવા માટે સલમાનને મળશે 403 કરોડ રૂપિયા,ચોંકી ગયાને?

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો બિગ બોસ સિઝન 13નો દર્શકો આતુરતાપૂર્વર ઈન્તેજાર કરી રહ્યા છે. અત્યારથી દર્શકોમાં ઉત્તેજના ફેલાઈ છે. શોના સ્પર્ધકોને લઈ કોણ-કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે બિગ બોસ-13 સલમાન ખાનની ફીને લઈને પણ ચોંકાવનારા રિપોર્ટ આવી રહ્યા છે. સલમાનને એટલી મોટી રકમ આપવામાં આવી રહી છે તેના આંકડા જોઈને તમે ચોંકી જશો. પાછલી સિઝન કરતાં આ રકમ વધુ છે.

મળી રહેલા સમાચારો મુજબ સલમાન ખાનને આ વર્ષે બિગ બોસ-13ને હોસ્ટ કરવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સિઝન-13 માટે દબંગ ખાનને વીક એન્ડના બે એપિસોડ માટે 31 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આની ગણતરી કરીએ તો શોમાં કુલ 13 વીક એન્ડ હશે. જેનો કુલ આંકડો 403 કરોડ રૂપિયા થવા જાય છે.

પાછલી સિઝનમાં સલમાન ખાનને વીક એન્ડના એક એપિસોડ માટે 12થી 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે સિઝન-11 માટે એક એપિસોડના 11 કરોડ રૂપિયા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગણતરીએ સલમાન ખાનને સિઝન-11 અને સિઝન-12 માટે 300થી 350 કરોડ આપવામા આવ્યા હોવાની માહિતી છે.

સમાચારો તો એવા પણ છે કે સિઝન-4 અને સિઝન-5 માટે સલમાનને એક એપિસોડ માટે 2.5 કરોડ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સિઝન-7 આ રકમ વધીને પાંચ કરોડ કરવામાં આવી હતી. સિઝન-9માં એક એપિસોડ માટે આઠ કરોડ અને સિઝન-10 માટે પણ આઠ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાની ચર્ચા છે.