કોણ છે એ અધિકારી, જેનાથી મોદી સરકારના મંત્રીઓ પણ ડરે છે?

ફોટોમાં દેખાય છે તેમ પીએમ મોદી સાથે પીકે મિશ્રા,અજીત ડોભાલ અને નૃપેન્દ્ર મિશ્રા. 2001 ગુજરાતથી આ સ્ટોરી શરૂ થઈ હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના શપથ લીધા. શપથ લીધા બાદ નવી કેબિનેટની રચના કરવાની હતી. પણ નરેન્દ્ર મોદી પાસે આનો કોઈ અનુભવ ન હતો. આ પહેલાં ન તો તેઓ ધારાસભ્ય બન્યા હતા અને ન તો કોઈ નેતા તરીકે પ્રસ્થાપિત હતા. આરએસએસના પ્રચારક તરીકે કાર્યરત હતા અને સંગઠનનું કામ કરતા હતા. પ્રચારકથી સીધા મુખ્યમંત્રી બની તો ગયા પણ જવાબદારીના મામલે હજુ કસોટી થવાની હતી.

પીએમ બનતા પહેલા મોદીએ મહિલા પત્રકારને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સીએમ બન્યા બાદ તેમની પાસે ફાઈલો આવતી હતી તો તેના પર નોટીંગ લખવાની સમજ પડતી ન હતી. તે સમયે મોદી સાથે ફોટોમાં જોવા મળ્યા હતા પ્રમોદ કુમાર મિશ્રા.

મૂળ ઓરિસ્સાનાં સંભલપુર જિલ્લાના 1972ની બેન્ચના આઈએએસ ઓફીસર પ્રમોદ કુમાર મિશ્રા(પી.કે.મિશ્રા) ગુજરાત કેડરના અધિકારી છે. નરેન્દ્ર મોદીને ફાઈલો પર કેવી રીતે રિમાર્કસ લખવાનું પી.કે.મિશ્રાએ શિખવાડ્યું હતું. પીએમ મોદીએ પોતે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફાઈલ આવી તો મિશ્રાને પૂછ્યું હતું કે શું કરવાનું છે આ ફાઈલનું? વાંચવામાં સમય લાગી શકે છે. તો મિશ્રાએ જવાબ આપ્યો હતો કે આ જગ્યાએ સહી કરી દો. ત્યારે મોદીએ પૂછ્યું હતું કે વાંચ્યા વિના સહી કરી દેવાની? ત્યારે પી.કે.મિશ્રાએ સમજાવ્યું હતું કે ફાઈલનો આ હિસ્સો જ મહત્વનો હોય છે. મુખ્યમંત્રીએ આખી ફાઈલ વાંચવાના બદલે માત્ર આ પાના જ વાંચવાના હોય છે.

નરેન્દ્ર મોદી રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી જીત્યા તો તેમણે પી.કે.મિશ્રાને જ પોતાના મુખ્ય સચિવ બનાવ્યા હતા. 2006 મોદી દિલ્હીના રાજકારણમાં રસ લેવા માંડ્યા હતા. કેન્દ્રમાં આઈએએસ લોબીના વરિષ્ઠ અધિકારી કહે છે કે પી.કે.મિશ્રાને દિલ્હી મોકલવામાં આવ્યા. કેન્દ્ર સરકારમાં બે વર્ષ સુધી કૃષિ સચિવ તરીકે કામ કર્યું અને પીકે રિટાયર થયા કે તરત મોદીએ તેમને ગુજરાત બોલાવી લીધા અને ગુજરાત ઈલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન બનાવી દીધા.

નરેન્દ્ર મોદી અને પી.કે.મિશ્રાને સંબંધોને નજીકથી જાણનારા પત્રકાર કહે છે કે 2001થી 2019 સુધી મોદીએ સૌથી વધુ ભરોસો પીકે મિશ્રા પર કર્યો છે. મિશ્રા પીએમ મોદીની કામ કરવાની પદ્વતિથી વાકેફ છે. ગુજરાતમાં 24 ક્લાક વીજળી પહોંચાડવાનું કામ અઘરું હતું પણ મોદીના કહેવાથી પીકેએ વીજળી ક્ષેત્રમાં કરી બતાવ્યું હતું.

2013 આવતાં-આવતાં નરેન્દ્ર મોદી ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર થયા અને પીકે મિશ્રા તેમના સલાહકાર તરીકે કામ કરવા લાગ્યા. જ્યારે 26, મે-2014માં મોદીએ પહેલી વાર પીએમ પદના શપથ ગ્રહણ કર્યા તો ગુજરાતથી દિલ્હી બોલાવાયેલા પ્રથમ ઓફીસર પીકે મિશ્રા જ હતા. 2019માં મોદી બીજી વાર પીએમ બન્યા તો પીએમઓના દરવાજે તેમને રિસીવ કરનારા ત્રણ અધિકારીઓમાં પીકે મિશ્રા પણ હતા.

પીકે મિશ્રા ફરી એક વાર મોદીના મુખ્ય સચિવ તરીકે તૈનાત થઈ ગયા. પહેલાં કરતાં પણ પીકે મિશ્રાનું સરકારમાં વજન વધી ગયું. તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી ગયો છે.

પીએમઓમાં સૌથી તાકાતવાર અધિકારી તરીકે પીકે મિશ્રાની ગણના થાય છે. પીએમ મોદી આંખ મીંચીને પીકે મિશ્રા પણ ભરોસો રાખે છે એવું કહેવામાં જરાય ખોટું નથી. મોટા ગજાના ભાજપના નેતાઓ અને મંત્રીઓ પણ તેમની ઓફીસની બહાર ચક્કર કાપતા જોવા મળે છે. મોદી સરકારમાં બદલી હોય કે નિમણૂંક હોય આ તમામ ફાઈલ પીકે મિશ્રા હસ્તક જતી હોવાનું માનવામાં આવે છે. ક્યા અધિકારીને ક્યાં મૂકવાના છે, કોને નીતિ આયોગમાં મોકલવાના હોય છે અથવા ક્યા અધિકારેન ક્યા મંત્રાલયમાં નિમણૂંક આપવી, કઈ ફાઈલમાં કેવી રીતે ડીલ કરવી આ બધી જ બાબતો પીકે મિશ્રા હેન્ડલ કરતા હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

પીકે પ્રમાણિકતામાં પાક્કા છે. કોઈ પણ અધિકારીનું સંપૂર્ણ બાયોડેટા ચકાસ્યા બાદ જ તેને નિમણૂંક આપવાનો તેમનો સિદ્વાંત રહેલો છે. જો કોઈ અધિકારીની ફાઈલમાં લાલ નિશાન મૂકાઈ જાય તો તો તેની ફાઈલ કદી પણ પાસ થતી નથી. કોઈ મંત્રીની ભલામણ પણ હોય તો તેની દરકાર રાખ્યા વગર પીકે નિર્ણય કરે છે. પીકેનો રિપોર્ટ પોઝીટીવ નહીં હોય તો ભલ ભલા મંત્રીની ભલામણ પણ કામ કરી શકતી નથી.

એવું કહેવાય છે કે પીકે મિશ્રા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાક્કા નિષ્ણાત છે. હાલમાં ગુજરાતમાં આવેલા વાયુ વાવાઝોડા અંગેની તમામ બેઠકો અને વ્યવસ્થા સીધી રીત પીકે મિશ્રાની દેખરેખમાં કરવામાં આવી હતી. ક્રાઈસીસમાં પીકે મિશ્રાનું મગજ કમ્પ્યુટરની જેમ ચાલતું હોવાની ચર્ચા છે અને એટલા માટે જે પીકે મિશ્રા પીએમ મોદીના સૌથી વિશ્વાસુ અધિકારી બની શક્યા છે.