સુરતના ઈતિહાસમાં આગ, રેલ અને રોગચાળાની ડરામણી દાસ્તાન અકબંધ છે. સોળ અને સત્તરના સૈકામાં સુરત જે સમૃદ્વિ અને આબાદીની ટોચે પહોંચ્યું હતું તેની તેની પાછળ રેલ અને રોગચાળો કારણભૂત રહ્યા હતા. એમાં સુરતમાં બે વખત પ્લેગ ફાટી નીકળતા સૌથી વધુ આ મહામારી વિનાશ નોતરતી પુરવાર થઈ છે. આ ઉપરાંત જાગૃતિ અને વિકાસ માટે વહીવટીતંત્રને નક્કર અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે વિવશ કરનારી બની રહેવા પામી છે, કારણ કે પ્લેગ પછી જ સુરતની કાયાપલટ કરવાનું બીડું ઝડપાયું હતું.
1896-97ના સમયગાળા દરમિયાન સુરતમાં પ્રથમ વખત પ્લેગ ફાટી નીકળ્યો હતો. ટાંચા સાધનો હોવાથી તે સમયે મૃત્યુઆંક ખૂબ વધ્યો હતો. 1896ના વર્ષનો મૃત્યુદર 51.04 ટકા નોંધાયો હતો. જેમાં મોટાભાગના લોકો પ્લેગના કારણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું હતું. તે સમયે પ્લેગના અતિ ભયંકર સ્વરૂપના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે દકણ જાજરૂઓની પ્રથા બંધ કરાવી દીધી હતી.
1896-97ના પ્લેગ દરમિયાન મુંબઈ પ્રાંતના સેનેટરી કમિશનર મિ.હુવેર સુરત આવ્યા હતા. તેમણે સુરતના જુદા-જુદા સ્થળે જાજરૂ બંધાવ્યા હતા અને નવા બંધાતા મકાનોમાં ફરજિયાતપણે ખાળકૂવા બાંધવાની જોગવાઈ કરી હતી. મિ. હુવેર કબ્રસ્તાનોને સિટીની વચ્ચોવચ હોવાની ટીકા કરી હતી. મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો હતો. આ પ્રશ્નના ઉકેલના અંતે તે સમયે સિટી વિસ્તારમાં નવા કબ્રસ્તાનો ઉભા થતા અટકાવવામાં આવ્યા હતા. ચૂના અને ઈંટની ભઠ્ઠીઓને શહેરની બહાર કરવામાં આવી હતી. પ્લેગ ફાટી નીકળવાનું એક કારણ એ પણ હતું કે લોકોએ ગમે તેમ ઘરો ચણી દીધા હતા. આડેધડ બાંધકામ કરવામાં આવ્યા હતા. રસ્તાઓની હદરેખા ન હોવાથી રસ્તાઓ જ ન હતા. ગીચતા હોવાથી ઘરોમાં પ્રકાશ આવતો ન હોવાથી મહામારીએ અજગરી ભરડો લીધો હતો.
1896-97માં સુરતમાં પ્લેગની મહામારીએ ઉથલો માર્યા બાદ બરાબર 97 વર્ષ બાદ 1994માં સુરતમાં ફરી એક વખત પ્લેગ ફાટ્યો હોવાની ખબરે હચમચાવી મૂક્યું. 22મી સપ્ટેમ્બર-1994ની મધ્યરાત્રીએ સુરતના વેડરોડ-કતારગામ ખાતે માત્ર ક્લાકમાં જ નવ વ્યક્તિના મોત નિપજ્યા હતા. સુરતીઓમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભયનું વાતાવરણ નિર્માણ થયું હતું, 3મી સવાર સુધીમાં મૃત્યુઆંક પંદર સુધી પહોંચી ગયો હતો.
19મી સદીના અંતમાં જગતમાંથી નામશેષ થઈ ગયેલા મહાભયાનક રોગ પ્લેગની લપેટમાં સંપૂર્ણ સુરત સપડાયું હતું. જગતભરના વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા હતા. સુરતમાં નાસીભાગ મચી ગઈ હતી. સુરત ખાલી લાગ્યું હતું. વેડ રોડ-કતારગામના દર્દીઓને પ્રથમ અશકતા આશ્રમ(હાલની વિનસ હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવ્યા હતા. અશક્તા આશ્રમમાં પ્રથમ દિવસે 14 વ્યક્તિઓના મોત થયાનો ત્યારે નોંધાયું હતું.
આમ તો 22મી સપ્ટેમ્બરથી સુરતમાં હાહાકાર વ્યાપી ગયો હતો. લોકો રસ્તા પર આવી ગયા હતા. પ્લેગની પ્રતિકારક દવા ટેટ્રાસાઈક્લીન લેવા માટે રીતસરની પડપડી થઈ હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેથોલોજિકલ બાયોપ્સી અને ઓટોપ્સી પેલ્ટમાં કલ્ચરલ ગ્રોથ પેસલીસ માલમ પડ્યો હતો અને આ પ્લેગને પર્ટીના પેસ્યુલીન પોઝીટીવ કલ્ચર તરીકે ઓળખવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા અને સિવિલના તબીબોની ટીમે ઓટપ્સી રિપોર્ટ પ્રમાણે પ્રાથિમક અહેવાલ આપ્યા હતા કે સુરતમાં ફેલાયેલી મહામારી ન્યૂમોનિક પ્લેગ છે. સુરત મહાનગર પાલિકાએ 20 લાખ ટેટ્રાસાઈક્લીનની ગોળીઓ ખરીદી હતી. થિયેટર, લગ્ન પ્રસંગો અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્લેગના કારણે સુરતમાં અફવા બજાર ગરમ કરી દેવાયું હતું કે પાણીમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે. તે સમયે સુરતના કલેક્ટર પ્રવીણકુમાર ત્રિવેદી અને મ્યુનિસિપલ કમિશનર બલવંતસિંગ હતા.
કોંગ્રેસની સરકાર હતા. નાયબ મુખ્યમંત્રી સીડી પટેલ સુરત દોડી આવ્યા હતા. લગભગ દોઢસો જેટલા ડોક્ટરો સુરત છોડીને ભાગી ગયા હતા. સરકારે અસરકારક પગલા ભરીને તે વખતના મુખ્ય સચિવ કે.ભાનુજનને સુરતનો હવાલો આપ્યો. ભાનુજનની સાથે એસ.જગદીશનને સુરતમાં મૂકવામાં આવ્યા. હાફકીન ઈન્સ્ટીટયૂટના વૈજ્ઞાનિકો સુરત આવ્યા. આરોગ્યનું રેડ એલર્ટ જારી કરી દેવાયું હતું. સુરતના કલેક્ટરે 29-9-1994ના દિવસે સુરતને પ્લેગગ્રસ્ત જાહેર કરી દીધું.WHOની ટીમ પણ સુરત આવી હતી.
ન્યૂમોનિક પ્લેગ બાદ બાળકોમાં બ્યૂબોનિક પ્લેગ જોવા મળ્યો. સુરતમાં પ્લેગ હતો કે નહીં તે વિવાદ અલગ છે પણ કેટલાક સંશોધકોએ કહ્યું કે સુરતમાં ફેલાયેલી મહામારી કન્ટા વાયરસ હતું. પ્લેગમાં મૃત્યુ પામેલાઓની સત્તાવાર સંખ્યા 52 નોંધાઈ હતી. 10 દિવસમાં મહામારી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.