રાધનપુર બેઠકનું ઘમ્મરવલોણું,પક્ષ પલટુઓ માટે મોટું જોખમ, અલ્પેશ ઠાકોર ઈતિહાસ બદલશે?

ગુજરાતની 6 બેઠકો પર પેટાચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે રણનીતિ ઘડવાની શરૂ કરી છે. જેમાં ઉમેદવારોની પંસદગીનો મુખ્ય મુદ્દો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠકનો ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. આ બેઠકનો ઈતિહાસ છે કે અહી મતદારોએ ક્યારેય પક્ષ પલટુઓને જીતાડ્યા નથી.રાધનપુરની બેઠક વધારે ચર્ચામાં આવી જ્યારે વર્ષ 1997માં શંકરસિંહ વાઘેલાએ આ બેઠક પરથી ચૂંટણી લડી. વર્ષ 1995માં અપક્ષ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરી. ભાજપે આ સમયે શંકરસિંહની સામે શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ આ સમયે શંકર ચૌધરીની હાર થઈ. ત્યારબાદ વર્ષ 1998માં ચૂંટણી સમયે લવિંગજી ઠાકોર અપક્ષમાંથી રાજપામાં જોડાઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા પરંતુ આ સમયે જનતાએ તેમને જાકારો આપ્યો.

1998: લવિંગજી ઠાકોર અપક્ષમાંથી રાજપામાં જાડાયા, જનતાએ જાકારો આપ્યો

2002 : લવિંગજી ઠાકોર રાજપાને બદલે કાંગ્રેસમાંથી લડ્યા, શંકર ચૌધરીએ લવિંગજીને હરાવ્યા

2002માં લવિંગજી ઠાકોર રાજપાને બદલે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા તો આ સમયે શંકર ચૌધરીએ તેમને હરાવ્યા. આવી જ સ્થિતિ 2012માં પણ સર્જાઈ જેમાં શંકર ચૌધરી સીટ બદલીને વાવથી ચૂંટણી લડ્યા જ્યારે ભાજપે નાગજી ઠાકોરને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ભાવસિંહ રાઠોડને ટિકિટ આપી..આ ચૂંટણીમાં પણ પક્ષ પલટુ કરનાર ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો.

2012 : ભાજપે નાગજી ઠાકોરને ટિકિટ આપી, ભાજપમાંથી આવેલા ભાવસિંહ રાઠોડને કાંગ્રેસે ટિકિટ આપી, ભાવસિંહ રાઠોડની હાર થઈ

2017માં કોંગ્રેસના અલ્પેશ ઠાકોરને જનસમર્થન મળ્યું. પરંતુ ભાજપે આ સમયે એજ ભૂલ કરી જે કોંગ્રેસે અગાઉ કરી હતી. ભાજપે પક્ષ પલટુને એટલે કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લવિંગજી ઠાકોરને ટીકીટ આપી હતી અને વધુ એક વખત હારનો સામનો કર્યો હતો.

2017 : કોંગ્રેસના અલ્પેશ ઠાકોરની જીત થઈ, કોંગ્રેસમાંથી આવેલા લવિંગજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી, લવિંગજી ઠાકોરની હાર થઈ

રાધનપુર સીટ પર ઠાકોર સમાજના જ દિગ્ગજ નેતા લવિંગજી અને ભાવસિંહે પક્ષ પલટો કરતા રાધનપુરના મતદારોએ જાકારો આપ્યો હતો. ત્યારે હવે આવા જ વધુ એક પક્ષ પલટુ અલ્પેશ ઠાકોરને મતદારો જીતાડે છે કે પછી ઠાકોર સમાજના સિનીયર નેતાની જેમ હાર આપે છે એ જોવાનું રહે છે.