મહત્વની જાહેરાત, ખરાબ રસ્તા માટે હવે રોડ કોન્ટ્રાક્ટરોને પણ ચાલાન અપાશે, થશે આટલા લાખનો દંડ

ટ્રાફીકના નવા નિયમોને લઈ કેન્દ્ર સરકાર સામે ચારે તરફથી પસ્તાળ પડી રહી છે. લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે કોન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખરાબ રસ્તાને લઈ મહત્વની જાહેરાત કરી છે.

નવા મોટર વ્હીકલ એક્ટ-2019માં માત્ર સામાન્ય લોકો માટે ભારેખમ દંડની જોગવાઈ કરાઈ નથી,પણ રોડ કોન્ટ્રાક્ટરો ને પણ ફોલ્ટી રોડ ડીઝાઈન, નિમ્ન સ્તરની ક્વોલિટીથી રસ્તા બનાવવા તથા બેદરકારી રાખવા મામલે એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. આ જાહેરાત નીતિન ગડકરીએ કરી છે.

પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમોના કારણે ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને મોટી રકમનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સંશોધિત વિધેયકમાં સગીર વયના છોકરા-છોકરીઓ ગાડી ચલાવે અને તે દરમિયાન દુર્ઘટના સર્જાય તો ગાડીના માલિકને ત્રણ વર્ષની જેલ અને ભોગ બનેલા પીડિતને 10 ગણું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

હવે પરિવહન મંત્રીએ રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. નવા નિમય પ્રમાણે હવે કોઈ કોન્ટ્રાક્ટર ખરાબ રોડ બનાવે છે તો તેને દંડ કરવામાં આવશે. રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા ફોલ્ટી ડિઝાઈન, બેદરકારી દાખવવાના મામલે એક લાખ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવશે.