શેરબજાર ટૂડે: સેન્સેક્સ 500 પોઈન્ટ ગબડ્યું, આ છે કારણ

સોમવારે એક હજાર પોઈન્ટના ઉછાળ બાદ બુધવારે સેન્સેક્સ ભારી રીતે ગબડી ગયું હતું. બીએસઈ 503.62 પોઈન્ટ ડાઉન થયું હતું અને 38,593.52 પર અટકી ગયું હતું. અમેરિકામાં આવેલી રાજનીતિક અનિશ્ચિત્તાના કારણે વેચાવલી તથા એશિયાઈ વિકાસ બેન્ક દ્વારા એશિયાની માંદી અર્થવ્યવસ્થાના સંકેત બાદ શેરબજારમાં કડાકો બોલાયો હતો. એનએસઈ નિફટી 148.00 પોઈન્ટની સાથે 11,440.20 પર બંધ થયું હતું.

અમેરિકામાં રાજકીય રીતે અસ્થિર નિર્માણ થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદીમીર જેલેન્સ્કી પર પ્રેશર કર્યું અને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બિડેન તથા તેમના પુત્ર વિરુદ્વ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવાની માંગ કરી. ટ્રમ્પે આ આરોપો અંગે ઈન્કાર કર્યો છે.

પાછલા બે સેશનથી શેરબજારમાં ભારે ઉછાળ આવ્યો હતો અને આ બે સેશન દરમિયાન અંદાજે 3,000 પોઈન્ટની તેજી આવી હતી. નિફ્ટીમાં પણ 900 પોઈન્ટની તેજી નોંધાઈ હતી. લાભને અંકે કરવાની લહાયમાં રોકાણકારો અધીરા થયા તે પણ એક કારણ બન્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનની ટ્રેડ સિસ્ટમની આકરી ટીકા કરી છે. જેના કારણે બન્ને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ શંકાના દાયરામાં આવી ગઈ છે.  આની અસર ગ્લોબલી થઈ રહી છે અને ભારતીય શેરબજારને પણ અસર કરી રહી છે.

એશિયાઈ વિકાસ બેન્કે(એશિયન ડેવોલપમેન્ટ બેન્ક) એશિયન માર્કેટમાં મંદીના સંકેત આપ્યા છે. આના માટે અમેરિકા અને ચીનની ટ્રેડ વોરને કારણભૂત માન્યું છે. બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત નહીં થાય તો બજારોને વધુ મોટા ઝટકા લાગી શકે છે.