હદ થઈ ગઈ: કૂર્તા-પાયજામા અને ચંપલ પહેરીને ટેક્સી ચલાવી તો મળ્યો 1600 રૂપિયાનો મેમો

રાજસ્થાનમાં હજી સુધી નવો ટ્રાફિક નિયમ લાગુ નથી થયો પરંતુ જૂના ટ્રાફિક નિયમોને કડક બનાવી દેવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હેલમેટ, પીયૂસી, લાઈસન્સ ઓછા હોય તેમ હવે ટ્રાફિક નિયમ અનુસાર કપડા નહીં પહેરવા પર પણ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જયપુરના સંજય સર્કલ થાણાના એક ઈનસ્પેક્ટરે એક ટેક્સી ડ્રાઈવરનો કુર્તો-પાયજામો અને ચંપલ પહેરીને ટેક્સી ચલાવવા પર 1600 રૂપિયાનો મેમો ફાડ્યો હતો.

ટેક્સી ડ્રાઈવરે મેમો આપનાર ઈનસ્પેક્ટરનું કહેવું છે કે જૂના ટ્રાફિક નિયમ અનુસાર ટેક્સી ચાલકોને બ્લૂ શર્ટ અને પેન્ટનો ડ્રેસ કોડ આપવામાં આવ્યો હોવા છતા એક ટેક્સી ડ્રાઈવરે કુર્તો અને પાયજામો પહેરી રાખ્યા હતા તેમજ તેના કુર્તાના ઉપરના બટનો પણ ખુલ્લા હતા. તેમજ તેણે ચંપલ પહેરી રાખ્યા હતા જેથી તેનો મેમો ફાડવામાં આવ્યો છે. ટેક્સી ડ્રાઈવરનો ડ્રેસ કોડ શહેરમાં ફરવા આવનારા પર્યટકો ઉપરાંત શહેરના લોકોની સુરક્ષા માટે પણ ખૂબ જરૂરી છે.

ઈનસ્પેક્ટરે કહ્યું કે જૂના ટ્રાફિક નિયમ અનુસાર અમે ટેક્સી ડ્રાઈવરને ડ્રેસ કોડ મુજબના કપડા નહીં પહેરવાની બાબતે દંડ ફટકાર્યો છે. અમે તેને આપેલા ચલણને પણ કોર્ટમાં મોકલી આપ્યું છે. હવે ત્યાં કોર્ટમાં જ નિર્ણય લેવામાં આવશે તેમજ બની શકે કે કોર્ટ દંડની રકમમાં વધારો પણ કરી દે.