મંદીની માર: સવજી ઢોળકીયા આ દિવાળીએ નહીં આપે કર્મચારીઓને ફ્લેટ કે કાર

ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં પાંચ લાખ કરતાં પણ વધુ કર્મચારીઓ આ દિવાળીએ બોનસથી વંચિત રહી જવાના છે. દર વર્ષે પોતાના કર્મચારીઓને બોનસમાં કાર, જ્વેલરી અથવા ફ્લેટ જેવી મોંઘીદાટ વસ્તુઓ આપતા પ્રખ્યાત હીરાના સૌથી મોટા ઉદ્યોગપતિ સવજી ઢોળકીયા આ વર્ષે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે કર્મચારીઓને ફ્લેટ કે કાર આપશે નહીં. ઢોળકીયાએ અંગ્રેજી અખબારને કહ્યું છેકે હીરા ઉદ્યોગ વર્ષ 2008 કરતાં પણ ભીષણ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.

અંગ્રેજી મીડિયા સાથે વાત કરતા ઢોળકીયાએ કહ્યું કે આ વર્ષે 2008 કરતાં પણ કારમી મંદી છે. જ્યારે સંગ્ર હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં છે તો અમે કેવી રીતે ગિફટનો ખર્ચ ઉઠાવી શકીએ. હાલ અમે હીરાના કર્મચારીઓની આજિવકાને લઈ વધુ ચિંતિત છીએ. પાછલા સાત મહિનામાં હીરા ઉદ્યોગમાંથી 40 હજાર કરતા પણ વધુ નોકરીઓ ગઈ છે. આટલું જ નહીં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમનો પગાર પણ 40 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે મંદીની સ્થિતિ એવી છે કે જે કંપનીઓ કામ કરી રહી છે તેમને મજબૂરીમાં કામ કરવું પડી રહ્યું છે. નોંધનીય છે કે ડાયમંડની દિગ્ગજ કંપની ડી-બીર્યર્સે પણ પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સવજી ઢોળકીયા દર વર્ષે પોતાના કર્મચારીઓને બોનસ રૂપે કાર અથવા ફ્લેટ આફે છે. આવું કરનારા તેઓ એક માત્ર ઉદ્યોગપતિ છે. 2011થી સવજી ઢોળકીય કર્મચારીઓને દિવાળીનું બોનસ આપી રહ્યા હતા.

હરિકૃષ્ણ ડાયમંડ નામની કંપની ચલાવતા સવજી ઢોળકીયાએ 2015માં કર્મચારીઓને 491 કાર અને 200 ફ્લેટ આપ્યા હતા. 2014માં કંપનીના કર્મચારીઓ વચ્ચે ઈન્સેન્ટીવ રૂપે 50 કરોડ રૂપિયા વહેંચ્યા હતા. 2018માં તેમણે દિવાળી ટાણે હરિકૃષ્ણ ગ્રુપ તરફથી બોનસમાં 600 કર્મચારીઓને કાર અને 900 કર્મચારીઓને એફડી આપી હતી. સવજી ઢોળકીયા માત્ર કર્મચારીઓ માટે સખાવતી નથી પણ તેમણે પોતાના પૈતૃક ગામમાં તળાવ પણ બાંધ્યું છે. દુધાળા ખાતે તળાવનું નિર્માણ કર્યું છે. તેઓ 70 તળાવ બનાવવાની ખેવના રાખે છે.