પાકિસ્તાન-POKમાં ભૂકંપના આંચકા, 19ના મોત, 300ને ઈજા, ભારે ખાનાખરાબી

આજે સાંજે ૪.૩૫ કલાકની આજુબાજુમાં પાકિસ્તાન અને સમગ્ર ઉત્તર ભારતમાં ૬.૩ની તીવ્રતા ધરાવતા ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની કેન્દ્રબીંદુ પીઓકેના જાટલાન વિસ્તારમાં હોવાનું અનુમાન છે. પ્રાથમિક અહેવાલો અુસાર પીઓકેમાં ભૂકંપના કારણે મોટું નુકસાન થયું છે. ૫ લોકોનાં મોત થયા છે અને ૫૦થી વધુ ઘાયલ થયા છે. પીઓકેમાં સડકોમાં બે ફાડ પડી ગઈ છે અને કેટલીક ગાડીઓ પણ સડક વચ્ચે પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી.

ભારતમાં જમ્મુ-કાશ્મીરથી માંડીને દિલ્હી- અને રાજસ્થાન સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકાનો અહેસાસ થતાં જ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેતા લોકો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ દોડીને બહાર સડક પર આવી ગયા હતા. સાંજે ૪.૪૦ કલાકે એકથી વધુ વખત ભૂકંપના ઝટકાનો લોકોને અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના રાવલપિંડીથી નજીક જાટલાન હતું.

પીઓકેના મીરપુરના જાટલાનમાં એક નહેરના કિનારેથી પસાર થતી આખી સડક સંપૂર્ણપણે જમીનમાં ઉતરી ગઈ છે અને રોડ પર ઊભેલા વાહન તેમાં ફસાઈ ગયા છે. આટલું જ નહીં અહીં મોટી સંખ્યામાં મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઝેલમ નદી પર બનેલા મંગલા ડેમમાંથી આ નહેર નિકળે છે. નહેર પર બનેલો એક પુલ પણ તુટી ગયો છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર નહેરના કિનારે લગભગ ૨૦ ગામ વસેલા છે, જેમાં હજારો લોકો ભૂકંપના કારણે મુશ્કેલીમાં ફસાયેલા હોઈ શકે છે.

ભારતમાં જમ્મુ-કાશ્મીરના રાજોરી, પુંછ, જમ્મુ, ઉધમપુર અને રામબનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપની ઊંચી તીવ્રતા અનુભવાઈ હતી. જમ્મુ-કાશ્મીર ઉપરાંત દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઉપરાંત, ચંડીગઢ, અંબાલા, પાણીપત, અમૃતસર, લુધિયાણા સહિત સમગ્ર પંજાબ રાજ્ય, હરિયાણા રાજ્ય અને રાજસ્થાનના તમામ મોટા શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

ભૂકંપની સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી છે. અહીં રાજોરી, પૂંછ જિલ્લાના લોકોએ જણાવ્યું કે, તેમને ભૂકંપના જોરદાર ઝટકાનો અનુભવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં અનુભવાયેલા આ તીવ્ર ભૂકંપનું કેન્દ્રબિંદુ લાહોરથી ૧૭૩ કિમી દૂર અને રાવલપિંડીથી ૮૧ કિમી દૂર છે. પાકિસ્તાનના જાટલાનમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું. હિમાચલની પ્લેટમાં હલચલ થતાં આ ભૂકંપ અનુભવાયો છે.