નેત્રંગ:  ઠેર-ઠેર કચરાના ઢગ અને ગંદકી, જીવલેણ રોગચાળો ફાટી નિકળવાની દહેશત

ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી 76 ગામો અલગ પાડી નવો નેત્રંગ બનાવવામાં આવ્યો હતો,જેમાં ગુજરાત સરકાર ધ્વારા નવા નેત્રંગ તાલુકાને રંગરોગાન અને તમામ પ્રકારના સુવિધાઓ સજ્જ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો,જે પ્રશંસનીય બાબત છે,પરંતુ રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના પ્રણેતા મહાત્મા ગાંધીને સૌથી પ્રિય હોય તે સ્વચ્છતા જાળવવા માટે સરકારીતંત્ર ધ્વારા કોઇ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી,તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

મુખ્યત્વે નેત્રંગ ટાઉનના જીનબજાર, ગાંધીબજાર,જવાહર બજાર,લાલમંટોડી અને સ્વામિનારાયણ મંદિરના રોડ સહિત નેત્રંગ ચારરસ્તાથી 200 મીટર સુધી ઠેર-ઠેર કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,જે નેત્રંગ તાલુકાને

રંગરોગાન કરવા સરકારે જે કરોડો રૂપિયાનો ખચૉ કર્યો હતો,તેના ઉપર પાણી ફેરવી દીધું છે,અને હાલના સમયમાં ચોમાસાની સિઝનમાં ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ગમે ત્યારે જીવલેણ રોગ ફાટી નિકળવાની દહેશત જણાઈ રહી છે,જ્યારે સ્વચ્છતાના આગ્રહી લોકોમાં સરકારીતંત્ર સામે ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે.

જ્યારે બીજી બાજુએ નેત્રંગમાં જાહેરસ્થળો ઉપર કચરાના ઢગ અને ગંદકીની સાફસફાઇ કરવા ગ્રા.પંચાયત ધ્વારા પણ સતત પ્રયાસ કરાઇ છે,પરંતુ ગ્રામજનો  ધ્વારા પણ જાહેરસ્થળો ઉપર સતત કચરો નાખી દેવામાં આવી રહ્યો છે,તેવું પંચાયતના જવાબદાર લોકોએ સંવાદમાં જણાવ્યું હતું,જેથી ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિનો અભાવ જણાઇ રહ્યો છે,જ્યારે આ બાબતે નેત્રંગના  ગ્રામજનોના મતે ચુંટાયેલા પ્રતિનિધિઓ ગ્રા.પંચાયતમાં ઠરાવ કરીને જાહેરસ્થળો ઉપર કચરો અને ગંદકી ફેલાવનાર લોકો ઉપર દંડ અને સજાની જોગવાઈ જેવા કડક કાયદા અમલમાં મુકવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.