નર્મદા નદીના પાણીથી 450 કિમી દુર આવેલું ભાદર ડેમ 21મી વાર થયો ઓવરફ્લો

સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો ભાદર ડેમ આજે ઓવરફલો થઈ જતાં લોકોમાં જાણે આનંદના ઘોડાપુર આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2015માં ઓવરફલો થયા બાદ ચાર વર્ષા લાંબા અંતરાલ બાદ ભાદર આજે 21મી વખત છલકાયો હતો. ડેમના 29 પૈકી બે દરવાજા બે ઈંચ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસના 22 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર-જવર ન કરવા પણ તાકીદ કરાઈ છે.

મહાપાલિકાના ઈનજેરી સુત્રો તથા સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર રાજકોટ, ગોંડલ અને જેતપુરની પાણીની તથા સિંચાઈની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1957-58માં ભાદર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 કિલોમીટર સુધી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા ભાદર ડેમની સપાટી 34 ફૂટની છે અને ડેમની સંગ્રહ શક્તિ 6644 એમસીએફટીની છે.

ગઈકાલે ભાદર ડેમ હવાની લહેરકીથી ઓવરફલો થતો હતો. દરમિયાન છેલ્લા 24 કલાકમાં નવું 0.13 ફૂટની આવક થતાં આજે સવારે 7.30 કલાકે ભાદર ડેમ સત્તાવાર રીતે ઓવરફલો થયાની જાહેરાત કરવામાં આવી હતી.

ડેમ ઓવરફલો થતાં ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ, ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાણા, ભંડારીયા, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, દેરડા, નવાગઢ, રબારીકા, સરધારપુરા, પાંચ પીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણાના તરવડ અને ઈશ્વરીયા સહિત કુલ 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે.