ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને હાંકી કઢાશે

ગુજરાતમાં બનાવટી દસ્તાવેજોને આધારે ભારતના નાગરિક, ગુજરાતના મતદાર, રેશનકાર્ડ મેળવી ચૂકેલા અફઘાની, પાકિસ્તાની સહિતના ઘુસણખોરોને દસ્તાવેજોને આધારે એનઆરસી હેઠળ 24 માર્ચ, 1971ની કટ ઓફ ડેટથી અલગ તારવીને દેશવટો અપાશે. તેના માટે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકારે પણ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અને અત્યાર સુધીમાં નોંધાયેલા પોલીસ કેસનો અભ્યાસ શરૂ કર્યો છે. રાજ્યમાં આસામની જેમ નેશનલ સિટીઝન ઍક્ટ હેઠળ નાગરિકતા અંગેના દસ્તાવેજીકરણ માટે રાજ્યની ભાજપની સરકારે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન અર્થાત એનઆરસી ઝુંબેશ આરંભવાની તૈયારી કરી છે. રાજ્યમાંથી અનેક ગુનાહિત કૃત્યોમાં બાંગ્લાદેશીઓ પકડાયા હતા.

સ્વર્ણિમ સંકુલ-2માં સોલાર પ્રોજેક્ટ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એનઆરસી સંદર્ભે જણાવ્યું હતું કે, બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એનઆરસીની જરૂરિયાત છે જ તેમ જણાવીને સરકારની તૈયારી સંદર્ભે ઈશારો કર્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ અમદાવાદ, સુરત, ભૂજ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં છે. જેમાંથી અધિકાંશ લોકો તો બનાવટી દસ્તાવેજોને આધારે ભારતનું નાગરીકત્વ મેળવવામાં પણ સફળ થઈ ચૂક્યા છે. વર્ષ 2014થી 2019 દરમિયાન ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા 257 બાંગ્લાદેશી પકડાયા હતા. તેમાંથી 200 તો માત્ર અમદાવાદમાંથી પકડયા હતા ઇન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ ગુજરાતમાં એક અંદાજે 50 હજારથી વધારે બાંગ્લાદેશીઓ છે.

ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિકોમાં તેમની વસ્તી છે. બાંગ્લાદેશીઓ પાસે રેશનકાર્ડ, આધારકાર્ડ અને મતદાતા ઓળખકાર્ડ પણ હોવાનું બહાર આવ્યું હતું.